જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ પાસે આવેલી ગટરમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી. મૃતક યુવાન ઘરેથી નીકળ્યા બાદ ગટરમાંથી મૃતદેહ સાંપડયો હોવાની મૃતકના ભાઇ દ્વારા ઓળખ કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની પાસે આવેલી ગટરમાંથી ગુરૂવારે સાંજના સમયે કોહવાઇ ગયેલો મૃતદેહ સાંપડયાની જાણના આધારે ફાયર ટીમ તથા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમ્યાન મૃતદેહ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઇનગર, શેરી નંબર 3માં રહેતાં અને મજૂરીકામ કરતાં મહેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનનો હોવાની મૃતકના ભાઇ ધર્મેન્દ્રસિંહ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. તેમજ વધુમાં મળતી વિગત મુજબ મૃતક મહેન્દ્રસિંહ જાડેજા ગત્ તા. 18ના રોજ સવારના સમયે તેના ઘરેથી નીકળી ગયા બાદ લાપત્તા થઇ ગયા હતા. ત્યારબાદ ચાર દિવસ પછી અંધાશ્રમ પાસેની ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે એએસઆઇ વી. એમ. ચાવડા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


