ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો અંત આવ્યો છે. દૈનિક કેસોમાં પણ ઘટાડો થયો છે. પરંતુ ચીનમાં ફરી એક વખત કોરોનાએ ઉથલો માર્યો છે. અહીં ત્રણ શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. દોઢ કરોડથી પણ વધુ લોકો ફરી ઘરોમાં કેદ થયા છે. જિનપિંગ સરકારે દક્ષિણ ચીનના ટેકનોલોજિકલ હબ શેનઝેનમાં સોમવારે કડક લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં એક જ દિવસમાં 66 લોકો સંક્રમિત મળી આવતા સ્થાનિક વહીવટીતંત્રે લોકડાઉનનું આ પગલું ભર્યું છે.
રવિવારે ચીનમાં 3,393 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. લગભગ બે વર્ષ પછી પ્રથમ વખત કોરોનાના 3300 થી વધુ કેસ નોંધાયા છે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર, ફેબ્રુઆરી 2020 પછી ચેપનો આ સૌથી મોટો દૈનિક આંકડો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે ઘણા શહેરોમાં ફરીથી કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવી રહ્યા છે. ઘણા શહેરોમાં લોકોને બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. શાળાઓમાં બાળકોનું શિક્ષણ પણ ખોરવાઈ ગયું છે.
ચીનમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે હાલમાં શંઘાઈમાં શાળાઓ બંધ કરી દીધી છે. આ સાથે, કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે પૂર્વોત્તરના ઘણા શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. તો છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં કોરોનાના 13 લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે.