જામનગર અને દેવભૂમિ દ્વારકા છેલ્લાં એક સપ્તાહથી સંક્રમણ સતત વકરતું જાય છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 144 સુધી પહોંચી ગઈ છે તેમજ હાલારમાં માત્ર 31 દર્દી સાજા થયા હતાં.
કોરોનાની ત્રીજી લહેરમાં ઓમિક્રોનના નવા વેરિએન્ટની એન્ટ્રીથી કોરોના સંક્રમણ સમગ્ર વિશ્ર્વમાં સતત વકરતું જાય છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળે છે. ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કફર્યૂનો સમય પણ તકેદારીના ભાગરૂપે વધારી દેવામાં આવ્યો હતો. જ્યારે જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. મંગળવારે કરાયેલા પરીક્ષણમાં જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે અને પોઝિટિવ કેસોની સંખ્યા એક જ ધડાકે ડબલ થઈ ગઈ છે. જેની સામે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે. દરરોજ 10 થી 15 પોઝિટિવ કેસની સામે મંગળવારે 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લાંં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં સોમવારે 82 અને ગ્રામ્યમાં 47 મળી કુલ 129 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે 27 દર્દીઓ સાજા થયા હતાં તેમજ જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક દર્દીનું મોત નિપજ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અવિરત રીતે નવા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1,303 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ અને ચિંતાજનક 14 નવા કેસ તો ફક્ત દ્વારકા તાલુકામાં નોંધાયા છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના વાડીનારમાં પણ 1 દર્દી સામે આવ્યો છે. જ્યારે ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. આ વચ્ચે દ્વારકાના 4 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો એક સદી વટાવી ચૂક્યો છે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય તંત્ર પણ સક્રિય બન્યું છે અને વધુમાં વધુ કોન્ટેક્ટ ટ્રેસિંગ તથા માઈક્રો ક્ધટેન્ટમેન્ટ ઝોન સહિતના પગલાં લેવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં કુલ સાત સ્થળોએ પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં કુલ 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પાંચ અર્બન હેલ્થ સેન્ટરોમાં 300 ડોકટરો તથા પેરામેડીકલ સ્ટાફની ટીમના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ 300 બેડ સુધીની સુવિધા પ્રાપ્ય રખાઇ છે. જિલ્લાના 270 ગામોમાં 1,400 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો તથા એક્ટિવ કેસોને ધ્યાને લઇ અને ધન્વંતરી રથ દ્વારા ચેકિંગ તેમજ સર્વેલન્સ માટે 125 થી વધુ ટીમને જિલ્લામાં કાર્યરત બનાવવા માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.