Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરધો.10નું પરિણામ જાહેર : જામનગર જિલ્લાનું 69.65 ટકા, દ્વારકા જિલ્લાનું 67.29 ટકા...

ધો.10નું પરિણામ જાહેર : જામનગર જિલ્લાનું 69.65 ટકા, દ્વારકા જિલ્લાનું 67.29 ટકા પરિણામ

જામનગર જિલ્લામાં 175 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો : દ્વારકા જિલ્લામાં 34 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં : સમગ્ર રાજ્યનું 64.62 ટકા પરિણામ : બનાસકાંઠાનું કુંભારીયા કેન્દ્ર 95.92 ટકા સાથે રાજ્યમાં ટોપ ઉપર : નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા સાથે સૌથી છેલ્લે

- Advertisement -

ગત માર્ચ માસમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 10ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું હતું. આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં જામનગર જિલ્લાનું 69.65 ટકા પરિણામ આવ્યું છે. પરીક્ષા આપનાર 14033 વિદ્યાર્થીઓ પૈકી 175 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 1228 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પરીક્ષા આપનાર કુલ 7457 વિદ્યાર્થીઓનું 67.29 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 34 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે તથા 479 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે. પરિણામની દ્રષ્ટિએ જોઇએ તો સમગ્ર રાજ્યમાં જામનગર જિલ્લો 6ઠ્ઠા નંબરે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો 10માં નંબરે રહ્યો છે.

- Advertisement -

રાજ્યમાં આજરોજ ધો. 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધો. 10ના પરિણામમાં સમગ્ર રાજ્યનું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. આ વખતે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જાણી શક્યા હતાં. ધો. 10માં રાજ્યમાં કુલ 741411 પરિક્ષાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 734898 પરિક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને 474893 પરિક્ષાર્થીઓ ઉત્તિણ થતાં 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. બનાસકાંઠા જિલ્લાના કુંભારીયા કેન્દ્રનું 95.92 ટકા સાથે રાજ્યમાં મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા સાથે સૌથી છેલ્લે રહ્યું છે. રાજ્યમાં 272 શાળાઓનું 100 ટકા પરિણામ રહ્યું છે. જ્યારે 157 શાળાઓનું પરિણામ 0 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 62.11 ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું 81.90 ટકા પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યમાં કુલ 6111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ, 44480 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ, 86611 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ, 127652 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ, 139248 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ, 679373 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ તથા 3412 વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ મેળવ્યો છે.

જામનગર જિલ્લાના પરિણામ ઉપર નજર કરીએ તો જામનગર જિલ્લામાં 14136 પરિક્ષાર્થીઓ નોંધાયા હતાં. જે પૈકી 14033 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 69.65 ટકા જાહેર થયું છે. જામનગર જિલ્લામાં 175 વિદ્યાર્થીઓ એ-1 ગે્રડ મેળવવામાં સફળ રહ્યાં છે. જ્યારે 1228 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ, 2065 વિદ્યાર્થીઓ ડી-1 ગ્રેડ, 2850 વિદ્યાર્થીઓ બી-2 ગ્રેડ, 2566 વિદ્યાર્થીઓ સી-1 ગ્રેડ, 851 વિદ્યાર્થીઓ સી-2 ગ્રેડ તથા 38 વિદ્યાર્થીઓ ડી ગ્રેડ મેળવ્યો છે.

- Advertisement -

ગત વર્ષે જામનગર જિલ્લાનું પરિણામ 69.68 ટકા રહ્યું હતું. જ્યારે આ વર્ષે 69.65 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે ગતવર્ષની સરખામણીએ પરિણામમાં કોઇ જાજો તફાવત રહ્યો નથી. જામનગર જિલ્લામાં સાત શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાંચ શાળાઓનું 0 ટકા પરિણામ રહ્યું છે.

જામનગર જિલ્લામાં ધ્રોલ કેન્દ્રનું 80.21 ટકા, જામજોધપુર કેન્દ્રનું 69.31 ટકા, જામનગર શહેરનું 67.33 ટકા, જામનગર (ડીઆઇજી)નું 71.35 ટકા, કાલાવડનું 69.84 ટકા, જોડિયાનું 77.98 ટકા, લાલપુરનું 58.08 ટકા, સિક્કાનું 52.66 ટકા તથા જાંબુડા કેન્દ્રનું 70.82 ટકા પરિણામ જાહેર થયું છે.

- Advertisement -

આજે જાહેર થયેલા એસએસસીના પરિણામમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 67.29 ટકા પરિણામ જાહેર થયું છે. વર્ષ 2022 માં જ સમગ્ર રાજ્યમાં 18 મા ક્રમે રહેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો આ વખતે રાજ્યમાં દસમા ક્રમે રહ્યો છે. ગત વર્ષ 2022 માં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું 64.6 ટકા સામે આ વખતે ત્રણ ટકા જેટલું પરિણામ સુધર્યું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ 7491 વિદ્યાર્થીઓ પૈકી 34 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ, 479 વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ, 992 વિદ્યાર્થીઓએ બી-વન ગ્રેડ, 1459 વિદ્યાર્થીઓએ બી-ટુ ગ્રેડ, 1503 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ, 539 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ અને 12 વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ મેળવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ કેન્દ્રનું 64.35 ટકા, દ્વારકાનું 51.41 ટકા, જામરાવલનું 63.08 ટકા, ખંભાળિયાનું 68.99 ટકા, મીઠાપુરનું 61.34 ટકા, ભાટીયાનું 72.64 ટકા, કલ્યાણપુરનું 74.05 ટકા તથા નંદાણાનું 77.17 ટકા પરિણામ આવ્યું છે.

ગત વર્ષે 0 ટકા પરિણામવાળી જિલ્લામાં ત્રણ શાળાઓ હતી. ત્યારે આ વખતે માત્ર એક જ શાળાનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. જોકે વર્ષ 2022 માં પાંચ શાળાની સરખામણીમાં આ વર્ષે માત્ર એક જ શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. આમ, છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અને દેશના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શૈક્ષણિક સ્તર સુધરતું જણાઈ રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે ખંભાળિયા તાલુકાના ભાતેલ જેવા નાના અને આંતરિયાળ ગામની સરકારી શાળાની વિદ્યાર્થીનીઓએ અમુક વિષયમાં 99 માર્ક્સ મેળવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શૈક્ષણિક સ્ટાફની ઘટ વચ્ચે પણ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયા તેમજ તેમની ટીમ દ્વારા શિક્ષણ પ્રણાલી અને ગુણવત્તા સુધારવા માટેના પ્રયાસો સફળ થઈ રહ્યો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular