ભાણવડમાં રહેતા 20 વર્ષીય એક યુવાન પર છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા નિપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી, આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો વિજયભાઈ રાજુભાઈ પરમાર નામનો 20 વર્ષનો દેવીપુજક યુવાન શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરેથી પોતાના છકડો રીક્ષા લઈને નવરાત્રીના તહેવાર સબબ જઈ રહ્યો હતો. તે પોતાના ઘરથી થોડે આગળ સબ સ્ટેશન પાસે પહોંચતા અહીં ઈનાજ ઇસ્માઈલ ઉર્ફે ભુરીયો હાસમ ઘુઘા નામનો 25 વર્ષનો શખ્સ મોટરકાર લઈને નીકળ્યો હતો. અહીં રાત્રિના આશરે સવા એક વાગ્યાના અરસામાં રસ્તામાં સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થવા પામી હતી. આ પછી કારચાલકની પાછળ મોટરસાયકલમાં આવેલા હુશેન ઉર્ફે ભુટીયો જુમાભાઈ મામદભાઈ ઘુઘા (ઉ.વ. 36)અને અસલમ ઈશાકભાઈ હિંગોરા (ઉ.વ. 38) નામના બે શખ્સો પણ અહીં ધસી આવ્યા હતા અને વિજયને માર માર્યો હતો.
View this post on Instagram
આ દરમિયાન દેકારો થતા નજીકમાં રહેલા વિજયભાઈના પિતા રાજુભાઈ પરમાર તેમજ તેમના માતા શોભનાબેન અહીં દોડી આવ્યા હતા અને કહેલ કે “શું કામ વિના વાંકે મારા દીકરાને મારો છો?” આમ કહેતા ઈનાજ ઘુઘા ઉશ્કેરાઈ ગયો હતો અને કહેલ કે “માર્યો છે અને મારીશું” તેમ કહી, ફડાકો મારી દીધો હતો અને કહ્યું કે “આ ફરીથી માર્યો, શું તોડી લીધું મારું?” આ રીતે ત્રણેય શખ્સો ગાળો બોલવા લાગ્યા હતા. આ પછી ઈનાઝએ તેની પાસે પેન્ટના નેફામાં રહેલી છરી કાઢી મારી નાખવાના ઈરાદે વિજયને છરીના ઘા ઝીંકવા ધસી આવ્યો હતો.
આ પછી વિજયના પિતા રાજુભાઈ અને માતા વચ્ચે પડતા આરોપી હુશેન ઉર્ફે ભુટીયો અને અસલમ ઈશાકભાઈએ વિજયના માતા-પિતાને પકડી રાખી ઈનાઝે પોતાની છરીનો ઘા વિજયના પેટમાં મારી દીધો હતો અને બીજો ઘા મારવા જતા રાજુભાઈએ બંને હાથેથી છરી પકડી લીધી હતી. જે છરી ઇનાજે ખેંચી લેતા રાજુભાઈને બંને હાથોમાં ઇજાઓ થવા પામી હતી. આ રીતે ત્રણેય શખ્સોએ બિભત્સ ગાળો ભાંડી, જો તેઓ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી, પોતાની પાસે રહેલા વાહનોમાં નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. આ જીવલેણ હુમલાના કારણે વિજયભાઈ રાજુભાઈ પરમાર (ઉ.વ. 20) નું લોહી-લુહાણ હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે મૃતકના પિતા રાજુભાઈ પરબતભાઈ પરમાર (ઉ.વ. 55) ની ફરિયાદ પરથી આરોપીઓ સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બધા બનતા ખંભાળિયા સર્કલના એ.એસ.પી. પ્રખર કુમાર તેમજ સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ ભણવડના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. મૃતક વિજય પરમારના મૃતદેહના પેનલ તેમજ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જામનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ત્રણેય આરોપીઓને ભાણવડ વિસ્તારમાંથી ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યા હતા. કરપીણ હત્યાના આ બનાવે ભાણવડ પંથકમાં ભારે ચર્ચા સાથે અરેરાટી પ્રસરાવી છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા એ.એસ.પી. પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ ભાણવડના પી.આઈ. વી.કે. કોઠીયા, પીએસઆઈ એમ.આર. બારડ, જયદેવસિંહ જાડેજા, રાજાભાઈ ગોજીયા, રઘુભાઈ સાખરા, દુદાભાઈ લુવા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નારણભાઈ, જીતુભાઈ, મયુરસિંહ, વિપુલભાઈ, પ્રતાપભાઈ અને લાલાભાઈની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કરપીણ હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક વિજયભાઈના માતા તેમજ પિતા વિગેરે ભાણવડ પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યારે ગઈકાલે રવિવારે સવારે દસેક વાગ્યાના અરસામાં ભાણવડ પોલીસ સ્ટેશનની સામે વિકાસ રોડ ઉપર મૃતકના માતા શોભનાબેન પરબતભાઈ પરમાર (ઉ.વ. 50) અન્ય વ્યક્તિઓ સાથે હતા, ત્યારે અહીં આરોપી ઇનાજના કાકા મામદ ઉર્ફે ડાડલો હાસમભાઈ ઘુઘા (રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ) અહીં આવ્યા હતા અને શોભનાબેનને કહ્યું હતું કે “તમે ફરિયાદ ખેંચી લ્યો, નહીંતર તમારા એક દીકરાને તો પતાવી દીધો છે અને બીજા દીકરાને પણ પતાવી દઈશુ” તે પ્રકારની ધમકી આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે. પુત્રની હત્યાની ધમકીના આ પ્રકરણ સંદર્ભે ભાણવડ પોલીસે શોભનાબેન પરમારની ફરિયાદ પરથી મામદ ઉર્ફે ડાડલો ઘુઘા સામે બી.એન.એસ.ની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.


