Monday, October 19, 2026
Homeરાજ્યજામનગરપોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારી

પોક્સો અદાલતે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા ફટકારી

જામનગરમાં વર્ષ 2024માં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં પોક્સો અદાલતે નરાધમને 10 વર્ષની સખત કેદની સજા અને રૂા. 25 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનારની ઉંમર સાબિત ન થવાના કારણે નરાધમને રાહત મળતાં અદાલતે સરકારી વકીલ અને તપાસનીસ પીઆઇ સામે કાર્યવાહીનો આદેશ કર્યો હતો.

- Advertisement -

આ કેસની વિગતો મુજબ જામનગર જિલ્લામાં 13 વર્ષ અને ત્રણ માસની હોવાનું જણાવાયેલી એક સગીરાનું તા. 3 માર્ચ, 2024ના રોજ બદકામના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. તા.10 એપ્રિલ, 2024ના રોજ ભોગ બનનાર બાળા મળી આવ્યા બાદ સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. બાળા મળી આવી ત્યારે તે એક માસ અને પાંચ દિવસની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું હતું. આ બનાવમાં પંચમહાલ જિલ્લાના ડ્રાઈવિંગ કામ સાથે સંકળાયેલા ધીરજ ઉર્ફે ધર્મેશ નાયક સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની કાર્યવાહી જામનગરની પોક્સો અદાલતમાં ચાલી હતી. સુનાવણી દરમિયાન ભોગ બનનારની ઉંમર કાયદેસર રીતે સાબિત થઈ શકી ન હોવાનું અદાલતના ધ્યાને આવતાં આરોપીને પોક્સો કાયદાની કલમો હેઠળ શંકાનો લાભ આપવામાં આવ્યો હતો. જો કે, બળાત્કારનો ગુનો પુરવાર થતાં અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂા.25 હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ભોગ બનનારને સરકારી વળતર યોજના હેઠળ રૂા.1 લાખ ચૂકવવા તા.15ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો.

પોક્સો અદાલતે આ ચુકાદામાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થઈ શકવાના મુદ્દે પણ ગંભીર નોંધ લીધી હતી. ઉંમર અંગે જરૂરી ખરાઈ અને પુરાવા રજૂ કરવામાં થયેલી ખામીના સંદર્ભમાં જિલ્લા સરકારી વકીલ જે. કે. ભંડેરી વિરુદ્ધ ચુકાદાની નકલ સાથે યાદી રાજ્યના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગને મોકલવાનો હુકમ કર્યો છે. તે જ રીતે જન્મતારીખની ખરાઈ કર્યા વિના ચાર્જશીટ અને પુરાવા રજૂ કરવા બદલ તપાસનીશ પીઆઈ અલ્પેશકુમાર ચૌધરી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે ચુકાદાની નકલ સાથે યાદી જિલ્લા પોલીસ વડાને મોકલવા સૂચના આપી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular