જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવક ઉપર જૂની માથાકૂટનો ખાર રાખી પૂર્વ આયોજિત કાવતરૂં રચી ત્રણ શખ્સોએ ગઇકાલે રાત્રિના સમયે જૂની અનુપમ ટોકિઝ પાસે છરીના ચારથી પાંચ ઘા ઝિંકી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 49માં હનુમાન ટેકરી વિસ્તારમાં મોડપીર દાદાના મંદિર સામે રહેતો અને અભ્યાસ કરતો હાર્દિક નારણભાઇ ડાંગર (ઉ.વ.18) નામનો યુવક ગઇકાલે રાત્રિના સમયે કપડાંની ખરીદી કરવા ગયો હતો. તે દરમ્યાન જગદિશ ઉર્ફે સંજુ ઉર્ફે ઢેબુ વિજય વરાણિયા, પ્રફૂલ્લ ઉર્ફે અભલો વિજય વરાણિયા અને દેવ ભીખા ભારાઇ નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી પૂર્વ આયોજિત કાવતરૂં રચી હાર્દિકને જૂની અનુપમ ટોકિઝ પાસે આંતરીને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. હાર્દિકે ગાળો આપવાની ના પાડતાં હુમલાખોરોએ ઉશ્કેરાઇને છરીના ત્રણથી ચાર આડેધડ ઘા ઝિંકી દીધા હતા. પાંચમો ઘા મારવા જતાં હાર્દિકે છરી પકડી લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ત્રણ શખ્સોએ યુવકને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલામાં ઘવાયેલા હાર્દિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ જે. એસ. ગોવાણી તથા સ્ટાફે હાર્દિકના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


