જામનગર તાલુકાના મસીતિયા ગામમાં દરેડ ફેસ 3 વિસ્તારમાં રોપામાં પાણી પાવા માટે ગયેલા વેપારીને ત્રણ શખ્સોએ સાઇટ પર ન આવવાની બાબતે ધમકી આપી હતી. સામાપક્ષે વેપારી સામે ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં પંચવટી સોસાયટી, મયૂરબાગ, શેરી નંબર પાંચમાં રહેતા અને જમીન-મકાન લે-વેચનો વ્યવસાય કરતાં અશોકભાઇ દેવશીભાઇ અકબરી (ઉ.વ.48) નામનો વેપારી યુવાન ગત્ તા. 18ના રોજ સાંજના સમયે દરેડ, જીઆઇડીસી ફેસ 3માં અપના ઇન્ટેક્સ ઓફિસ તથા મસીતિયામાં આવેલી ન્યૂ એરા ક્ધસ્ટ્રક્શન સાઇટ પર ઉછેરેલા રોપામાં પાણી પાવા માટે ગયો હતો ત્યારે અહેમદ ઇકબાલ ખફી સહિતના ચાર શખ્સોએ અશોકભાઇને સાઇટ પર ન આવવા બાબતે ધમકી આપી હતી અને આ બનાવ અંગે પંચકોષી ‘બી’ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે અહેમદે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના મોટા બાપુજી કાસમભાઇ ખફીની ન્યૂ એરા સાઇટ પર ચોકીદારને પગાર આપવા ગયો હતો ત્યારે અશોક દેવશી અકબરીએ, “અહીં કેમ આવ્યો છે. આ તારા મોટા બાપુની જગ્યા નથી.” તેમ કહી યુવક અને તેના મોટાબાપુ વિશે જેમ ફાવે તેમ બોલ્યાના બનાવમાં એએસઆઇ વાય. વી. જાડેજા તથા સ્ટાફએ બન્નેની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


