જામનગરના ગુરૂદ્વારા પાસે કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં આવેલી નાસ્તાની રેંકડીમાંથી પોલીસે 240 નંગ ચપલા અને દારૂની 60 બોટલો કબ્જે કરી બૂટલેગરની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક (રાજકોટ વિભાગ) નિર્લિપ્ત રાયની પ્રોહિબિશન અને
જુગારની બદીને ડામવા માટે અપાયેલી સૂચના અનુસાર જામનગર પોલિસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
દરમ્યાન જામનગરના ગુરૂદ્વારા પાસે આવેલા સેન્ટર પોઇન્ટ કોમ્પલેક્ષના પાર્કિંગમાં નાસ્તાની રેંકડી ધરાવતા વિક્રાંત ઉર્ફે વિકકી ગાગડિયાએ વેચાણઅર્થે દારૂનો જથ્થો પોતાની પાસે રાખ્યો હોવાની સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેરને મળેલી બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝનના પીઆઇ એન. એમ. ગઢવી, સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, હે.કો. ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, દશરથસિંહ પરમાર, જયપાલસિંહ જાડેજા, પો.કો અજયસિંહ ઝાલા, સાજિદભાઇ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, રવિકાંતભાઇ રાઠોડ, કપિલભાઇ ગુજરિયાએ રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન સિટી ‘બી’ ડિવિઝન પોલીસે વિક્રાંત ઉર્ફે વિક્કી ગાગડિયાની નાસ્તાની રેંકડીમાંથી રૂા. 1,56,000ની કિંમતના ઇંગ્લીશ દારૂના 240 ચપટા તથા ઇંગ્લીશ દારૂની 60 બોટલોનો જથ્થો કબ્જે કરી નાસ્તાની રેંકડીના સંચાલક વિક્કી હાજર નહીં મળી આવતાં તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.


