વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિવિઘ્નં કુરૂમેદેવ સર્વકાયેષુ સર્વદા
પવિત્ર શ્રાવણ માસ બાદ આજે ગણેશ ચર્તુથીના પાવન દિવસે ગણપતિ બાપ્પાએ ઘરે-ઘરે પધરામણી કરી છે. હિન્દુ ધર્મમાં સર્વ દેવોમાં ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજાય છે. ત્યારે આજથી ગણેશ મહોત્સવ શરૂ થઇ ગયો છે. લોકોમાં ગણપતિ બાપ્પાના આગમનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગરાન આંગણે આણંદાબાવાના ચકલા પાસે જામનગર લેહુવા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ખૂબ સુંદર ગણપતિજીનું મંદિર આવેલું છે.
જામનગરમાં આણદાબાવાના ચકલા પાસે આવેલું લેહુવા પટેલ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલ્તિ ગણપતિ મંદિર આશરે 300 થી 360 વર્ષનું પ્રાચિન મંદિર છે. હાલ આ મંદિરમાં ગૌતમભાઇ, અનિલભાઇ દવે સેવા આપી રહયા છે. આ મંદિરમાં ખાસ વિશેષતા એ છે કે, આ મંદિરમાં ગણપતિ બાપ્પાની સાથે-સાથે રાધા-કૃષ્ણજી પણ સાથે બિરાજે છે. ત્યારે વૈષ્ણવ સમાજના લોકો ગણેશ ભકતો અને હરિભકતો મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે આવે છે. મંદિરમાં બિરાજતા બાપ્પાનો ખૂબ મહિમા છે. સામાન્ય રીતે જમણી સુંઢના ગણપતિને સિધ્ધિ વિનાયક કહેવામાં આવે છે. ત્યારે તેમની સ્થાપના સામાન્ય રીતે બહુ ઓછી જોવા મળે છે. કારણ કે, સિધ્ધિ વિનાયકજીની મંદિરની પૂજા અર્ચના વિધી વિગેરે વિશેષ જોવા મળે છે. પરંતુ અહીં સ્થાપિત આ સિધ્ધિ વિનાયકજીનો ભકતોમાં ખૂબ મહિમા છે. વિદેશથી પણ લોકો અહીં બાપ્પાના દર્શનાર્થે આવે છે અને બાપ્પા દરેકની મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમ્યાન રામનવમી, જન્માષ્ટમી વગેરે અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તેમજ ભાદરવા સુદ ચોથથી ચૌદશ સુધી ચાલતા આ ગણેશ ઉત્સવ દરમ્યાન બાપ્પાને દરરોજ જુદા-જુદા વાઘા પહેરાવીને દર્શન કરવામાં આવે છે. સવારે 7-30 કલાકે આરતી બપોરે 12 કલાકે રાજભોગ ધરાવવામાં આવે છે. 1 થી પ બપોરે ભગવાનને પોઢાડવામાં આવે છે. જયારે સાંજે 7-30 કલાકે સંધ્યા આરતી પણ કરવામાં આવે છે. આમ, જામનગર શહેરની મધ્યમાં ગણપતિજીનું આ સુંદર મંદિર મનને શાંતિ આપનાર છે. જેના દર્શનથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.