અમદાવાદમાં ઉજવાઇ રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ગઇકાલે રવિવારે માનવમહેરામણ ઉમટી પડયો હતો. મહોત્સવ અંતર્ગત યોજાયેલી સંધ્યા સભામાં મંદિર ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વની અજાયબી સમાન મંદિરો, સાંસ્કૃતિક ધામોના સર્જક અને અભિનવ વિશ્ર્વકર્મા પ્રમુખ સ્વામી મહારાજના આ યુગ કાર્યને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવ્યું હતું. આજે મહોત્સવના ચતુર્થ દિવસે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સંધ્યા સભામાં વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. તેઓ આજના ‘મંદિર ગૌરવ દિન’ કાર્યક્રમમાં સમ્મિલિત થયા હતા.પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે સાંજે 5.15 વાગ્યે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વના 19 જેટલાં દેશોના 150 કરતાં વધુ બાળકો-યુવાનોના સંગીત વૃંદ દ્વારા 33 જેટલાં વિભિન્ન ભારતીય વાદ્યો દ્વારા અદ્ભુત ભક્તિ સંગીતની પ્રસ્તુતિ થઈ. સિમ્ફની નામથી પ્રખ્યાત આ સંગીત કાર્યક્રમમાં વિશ્વના અનેક સંગીતજ્ઞ ભક્તો જોડાયા હતા. પ્રમુખસ્વામી મહારાજે 1231 જેટલાં મંદિરોના સર્જન દ્વારા અધ્યાત્મ, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા અને સંસ્કૃતિ રક્ષાની આહલેક જગાવી હતી. ભારત ઉપરાંત વિદેશમાં પણ 125 કરતાં વધુ મંદિરો દ્વારા સનાતન ધર્મના અવતારો-દેવી દેવતાઓ-આચાર્યો-સંત પરંપરા-ભક્તોને પ્રમુખસ્વામી મહારાજે મહાન અંજલિ આપી છે.
નૈરોબી, લંડન, હ્યુસ્ટન, એટલાન્ટા, શિકાગો, લોસ એન્જેલસ, ટોરોન્ટો, ન્યૂજર્સી જેવાં શહેરોમાં અભૂતપૂર્વ શિખરબદ્ધ મંદિરો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સનાતન ધર્મની ગરિમાને વિશ્વના ખૂણે ખૂણે પ્રસરાવી, સેંકડો એવોર્ડથી પ્રતિષ્ઠિત આ મંદિરો પ્રસરાવી રહ્યા છે શાંતિ, પ્રેમ, સંવાદિતા અને સમાજ-સેવાની સુવાસ ફેલાવી છે. 2000 માં ગિનીઝ બુક દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ હિન્દુ મંદિરોનું સર્જન કરવા બદલ ‘માસ્ટર બિલ્ડર’ તરીકે નવાજવામાં આવ્યા હતા. 2007 માં ગિનીઝ બુક દ્વારા પ્રમુખસ્વામી મહારાજને સૌથી વધુ હિન્દુ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે પુન: એવોર્ડ એનાયત થયો હતો.
2007 માં ગિનીઝ બુક દ્વારા દિલ્હી સ્વામિનારાયણ અક્ષરધામને ‘વિશ્વના સૌથી મોટા સર્વાંગસંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે નવાજવામાં આવ્યું હતું. 1998 માં રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા લંડન નિઝડન સ્વામિનારાયણ મંદિરને ‘ 70 મોડર્ન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ’ માં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય નિશ્રામાં વિશ્વભરમાં અનુપમ દીપમાળ સમાન મંદિરોનું સર્જન થઇ રહ્યું છે. અબુધાબીમાં નિર્માણાધીન અજોડ બીએપીએસ હિન્દુ મંદિરની સાથે ન્યૂજર્સી અક્ષરધામ, સુરત અક્ષરધામ તેમજ પેરિસ, જોધપુર, જોહાનિસબર્ગ, અમદાવાદ સાથે વિશ્વના અનેક શહેરોમાં રચાઇ રહેલાં બીએપીએસ હિન્દુ મંદિરો સર્વતોમુખી સમાજ-ઉત્કર્ષનું અદભૂત કાર્ય કરી રહયા છે.