Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ એક ઢોર માલિક સામે ફોજદારી ફરિયાદ

જામનગરમાં વધુ એક ઢોર માલિક સામે ફોજદારી ફરિયાદ

છેલ્લા એક સપ્તાહમાં 3 વ્યકિતઓ સામે ફોજદારી નોંધાવવામાં આવી : શહેરમાંથી ગઇકાલે 39 ઢોર પકડવામાં આવ્યા

- Advertisement -

રઝળતાં ઢોર મુદ્દે જામનગર મહાપાલિકાના તંત્ર પર નિષ્ફળતા અંગે ભારે માછલાં ધોવાયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સતર્ક અને સક્રિય બનેલા તંત્રએ રઝળતા ઢોર સામે તેમજ લાપરવાહ ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. જે અંતર્ગત શહેરમાં જયશ્રી ટોકિઝ પાસે એક ગાયને પકડવા બાબતે અડચણ ઉભી કરનાર ઢોર માલિક સામે વધુ એક ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ રણજીતસાગર ઢોરના ડબ્બા પર બળજબરીપૂર્વક ઢોર છોડાવવાનો પ્રયાસ કરનાર બે શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખામાં દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતાં સુનિલ ભાનુશાળીએ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર 29 ઓગસ્ટના રોજ સાંજે શહેરના જયશ્રી ટોકિઝ વિસ્તારમાં જામ્યુકોની ઢોર પકડ ટીમ દ્વારા એક રસ્તે રઝળતી ગાયને પકડવામાં આવી હતી. દરમ્યાન આ વિસ્તારમાં રહેતાં આ ગાયના માલિક હેમત કાનાભાઇ વાઘેલા આ ગાયને છોડાવવા માટે દોડી આવ્યા હતા અને ફરજ પરના કર્મચારીઓ સાથે રકઝક કરી માથાકૂટ કરી હતી. જામ્યુકોની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનાર આ ઢોર માલિક સામે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ તેમજ જીપીએકટની અન્ય કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. દરમ્યાન જામ્યુકોની સોલિડ વેસ્ટ વિભાગની ઢોર પકડવા માટેની ચાર ટુકડીઓ દ્વારા ગઇકાલે શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી 39 ઢોરને પકડીને ડબ્બે પૂર્યા હતા. જયારે રાત્રિ ઝુંબેશ અંતર્ગત નવ ઢોર પકડવામાં આવ્યા હતા. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર જામ્યુકો દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન કુલ 1401 ઢોર પકડવામાં આવ્યા છે. જે પૈકી 745 ઢોરને અમદાવાદ સ્થિત પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે-સાથે રઝળતા ઢોરના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની વધુ એક વખત ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular