દેશમાં આજથી ક્રિકેટના કુંભ સમાન આઇપીએલ સિઝન-15નો પ્રારંભ થઇ રહ્યો છે. 58 દિવસ ચાલનારા આ ક્રિકેટ કુંભમાં કુલ 74 મુકાબલા યોજાશે. જેને કારણે ક્રિકેટ રસિકોની દરેક સાંજ ‘ગુડ ઇવનિંગ’ બની જશે. પ્રથમ વખત જ દેશની આ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટને ટાટા સ્પોન્સર કરી રહ્યું છે. એટલું જ નહીં ટુર્નામેન્ટમાં આ વખતે ગુજરાત સહિત બે નવી ટીમો પણ જોવા મળશે. ટુર્નામેન્ટના તમામ લિગ મેચ મુંબઇ અને પૂનામાં જ રમાશે. જયાં સ્ટેડિયમમાં રપ ટકા દર્શકોને પ્રવેશની છૂટ આપવામાં આવી છે. આજે સાંજે જામનગરના જાડેજાની કપ્તાની હેઠળ સીએસકેની ટીમ ઓપનિંગ મુકાબલા માટે મેદાનમાં ઉતરશે. પ્રથમ સીએસકે અને કોલકાતા વચ્ચે રમાશે.
ક્રિકેટરસિકો દર વર્ષે જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હોય છે તે ક્રિકેટના તહેવાર આઈપીએલને શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ વખતે મુંબઈ અને પૂનાના સ્ટેડિયમ ઉપર આખી આઈપીએલની 70 લીગ મેચ રમાશે જેમાં કોઈ દિવસ ‘સ્ટ્રેટ’ મતલબ કે એકતરફી તો કોઈ દિવસ ઉથલ-પાથલયુક્ત તો કોઈ દિવસ કલ્પના બહારની ટક્કર થતી હોય તેવા મુકાબલા જોવા મળશે. આઈપીએલમાં બે નવી ટીમોનો ઉમેરો થયા બાદ યોજાયેલા મેગા ઑક્શન થયું હતું જેમાં ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓને ખરીદવા માટે નાણાંનો વરસાદ વરસાવી દીધો હતો. જે પછી અત્યારે કાગળ ઉપર તમામ ટીમ મજબૂત દેખાઈ રહી છે પરંતુ સાચી પરખ તો ગ્રાઉન્ડ ઉપર જ થવાની હોય કઈ ટીમ કેટલા પાણીમાં છે તેના પારખાં પણ થઈ જશે. ટૂર્નામેન્ટની પહેલી જ ટક્કર ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ ઉપર સાંજે 7:30 વાગ્યાથી થશે. ટૂર્નામેન્ટના 70 લીગ મુકાબલા મુંબઈ અને પૂનાના ગ્રાઉન્ડ પર રમાશે જ્યારે પ્લેઑફ માટે અમદાવાદનું લગભગ પાક્કું ગણવામાં આવી રહ્યું છે. ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિરાટ કોહલીએ રોયલ ચેલેજર્ન્સ બેંગ્લોરનું નેતૃત્વ છોડી દેતાં હવે તે ટીમમાં ખેલાડીના રૂપમાં રમશે. આવી જ રીતે ધોનીએ પણ ટીમની જવાબદારી રવીન્દ્ર જાડેજાને સોંપી દેતાં હવે તે પણ એક ખેલાડી તરીકે જ રમતો જોવા મળશે. આ વખતે સીઝનમાં કુલ 12 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમાશે. ડબલ હેડરના દિવસે પહેલો મુકાબલો બપોરે 3:30 તો બીજો મુકાબલો સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક ઉપરથી પ્રસારિત થશે. આ સીઝનમાં દિગ્ગજ ખેલાડીઓની રમત ઉપર તો સૌની નજર ટકેલી જ રહેશે જ્યારે અમુક અમુક ખેલાડીઓ એવા છે જેઓ ‘સરપ્રાઈઝ’ આપવા માટે તત્પર દેખાઈ રહ્યા છે ત્યારે તેઓ કેવા પ્રકારની તાકાત બતાવે છે તે પણ જોવાઈ જશે. આઈપીએલમાં ચેમ્પિયન બનનાર ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે.