જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલમાં સામૂહિક રેગીંગની ઘટના પ્રિન્સીપાલના ધ્યાને આવતા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને 25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાતું હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.
ચકચારી રેગીંગની ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા 25 થી વધુ વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની કોલેજના પ્રિન્સીપાલને વિદ્યાર્થી દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. વધુમાં મળતી વિગત મુજબ સરકારી ફિઝીયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતાં 25 થી વધુ જેટલા વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને રેગીંગની અગાઉ પણ જામનગરની કોલેજોમાં ઘટનાઓ બની ગઈ છે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેવા જરૂરી બની ગયા છે.
સરકારી ફિઝીયોથેરાપી કોલેજના પ્રિન્સીપાલને મળેલી રેગીંગની ફરિયાદના આધારે એન્ટી રેગીંગ કમિટી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે અને આ કમિટી સાંજ સુધીમાં તેમનો રિપોર્ટ સોંપી આપશે. જો કે, અગાઉ પણ રેગીંગની ઘટનાઓ બની છે. પરંતુ, તે કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો કે, આજના કિસ્સામાં હવે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે ? તે જોવાનું રહ્યું ? રેગીંગના ગંભીર બનાવ સંદર્ભે મેડીકલ કોલેજના ડો. ડિન નંદીની દેસાઈનો ‘ખબર ગુજરાત’ દ્વારા સંપર્ક કરાતા તેમને ‘આવી કોઇ ઘટના મારા ધ્યાનમાં નથી.’તેવો જવાબ આપવામાં આવ્યો હતો.