Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો

જામનગર શહેરમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો

બુધવારે સાત પોઝિટિવ કેસ બાદ ગુરૂવારે દશ પોઝિટિવ કેસ : ઓમીક્રોનની એન્ટ્રી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું : વહીવટી તંત્ર એલર્ટ

- Advertisement -

જામનગર શહેરમાં રાજ્યનો પ્રથમ ઓમીક્રોન પોઝિટિવ કેસ આવ્યા બાદ તંત્ર એલર્ટ થઈ ગયું હતું અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના તથા ટયુશનમાં આવતા બાળકોના પણ પરિક્ષણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ જામનગરમાં દરરોજ નોંધાતા કેસો કરતા બુધવારે એક સાથે 7 કોરોના પોઝિટિવ નોંધાયા અને ગુરૂવારે 10 પોઝિટિવ કેસ નોંધાતા પરિસ્થિતિ ગંભીર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. એકાએક કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી જવાથી વહીવટી તંત્ર પણ ગાઇડલાઈનની અમલવારી કરાવવા માટે મેદાને ઉતરી છે.

- Advertisement -

કોરોના મહામારીનો કપરો કાળ પૂર્ણ થયા બાદ સમગ્ર દેશમાં જનજીવન થાળે પડી ગયું હતું અને ધીમે ધીમે ઉદ્યોગો તથા ધંધા-રોજગાર ધમધમવા લાગ્યા હતાં. ત્યારે સાઉથઆફ્રિકામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ હતી અને અસંખ્ય લોકો આ વેરિયન્ટની ઝપટે ચડી ગયા છે તેમજ અન્ય દેશોમાં પણ ઓમીક્રોનના કેસો નોંધાયા છે. ત્યારે ભારતમાં સૌ પ્રથમ કર્ણાટકમાં ઓમીક્રોનનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગુજરાતનો સૌ પ્રથમ કેસ જામનગરના મોરકંડા રોડ પરના વિસ્તારમાં રહેતાં 72 વર્ષના વૃદ્ધનો ગાંધીનગર લેબોરેટરીમાં મોકલેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે પુનેની લેબોરેટરીમાં મોકલેલો રિપોર્ટ પેન્ડીંગ છે.

ઓમીક્રોનની જામનગરમાં એન્ટ્રી થયા બાદ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો અને તેમને ત્યાં ટયુશનમાં આવતાં સાત બાળકોના પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. સદનસીબે તમામ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી હતી પરંતુ આ રાહત લાંબો સમય રહી ન હતી. કેમ કે,હાલમાં જ રાજસ્થાનમાં યોજાયેલા લગ્ન-પ્રસંગમાં જામનગરના અગ્રણી પરિવારના સભ્યોને કોરોના પોઝિટિવ થયા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોને પરિક્ષણ કરાવવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન બુધવાર સુધી જામનગર શહેર જિલ્લામાં 0 અને 1 જેટલા કેસો નોંધાતા હતાં પરંતુ, બુધવારે એકાએક સાતગણો ઉછાળો આવતા શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા સાત થઈ હતી તેમજ ગુરૂવારે વધુ 10 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના કેસોમાં વધારો થવાથી કલેકટર અને મહાનગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને મહાનગરપાલિકા દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular