સરકારે કુદરતી ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કર્યો છે. કુદરતી ગેસનો ઉપયોગ વીજળી, ખાતર, રાંધણ ગેસ અને સીએનજીના ઉત્પાદનમાં કરવામાં આવે છે. એપ્રિલ 2019 પછી પ્રથમ વખત કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવ વધવાને કારણે કુદરતી ગેસના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં ક્રૂડના ભાવ વધવા છતાં એલએનજીના ભાવ વધારવામાં આવ્યા નથી.
ઓઇલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલએ જણાવ્યું છે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાંથી ઉત્પન્ન થતા ગેસ માટે મિલિયન થર્મલ યુનિટ દીઠ 2.90 ડોલર ચૂકવવામાં આવશે. અગાઉ આ ભાવ 1.79 ડોલર હતો.
કુદરતી ગેસના આ ભાવવધારાને કારણે સીએનજી તથા દિલ્હી અને મુંબઇમાં પાઇપ દ્વારા પહોંચાડવામાં આવતા રાંધણ ગેસના ભાવમાં 10 થી 11 ટકાનો વધારો થવાની શક્યતા છે. વીજળી ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે પણ ગેસમાંથી વીજળી બનાવવાનું પ્રમાણ ઓછું હોવાથી ગ્રાહકો પર તેની મોટી અસર નહીં થવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને ગેસના ભાવ વધવાને કારણે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ટૂંક સમયમાં 50 થી 100 રૃપિયાનો ભાવવધારો તોળાઇ રહ્યો છે.
આ અગાઉ છેલ્લે ચાલુ વર્ષના એપ્રિલમાં કુદરતી ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવી હતી. તે સમયે કુદરતી ગેસના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને તેનો ભાવ 1.79 ડોલર પર સ્થિર રાખવામાં આવ્યો હતો. જ્યારે ઉંડા સમુદ્રમાંથી ઉત્પન્ન કરાતા ગેસનો ભાવ 4.06 ડોલરથી ઘટાડી 3.62 ડોલર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગેસના ભાવમાં 1 ડોલરનો વધારો કરવામાં આવે તો ઓએનજીસીનીવાર્ષિક આવકમાં 5200 કરોડ રૃપિયાનો વધારો થાય છે. ટેક્સ અને અન્ય ચાર્જિસ બાદ કર્યા પછી કંપનીને 3200 થી 3300 કરોડ રૃપિયાનો ફાયદો થાય છે.
છેલ્લે ગેસના ભાવમાં એપ્રિલ, 2019માં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઘટતા કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા ન હતાં.