જામનગરના રામપર ગામ પાસે આવેલ જજઙક નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ભયનો માહોલ સર્જાયો હતો. મીલના ગોડાઉન મેનેજર પાસે લાખોટા નેચર કલબ સંસ્થા દ્વારા જારી કરેલ હેલ્પલાઇન લીસ્ટમાંથી નજીકમાં આવેલ નાની બાણુગરના સર્પ પ્રેમી મિલન કંટારિયાનો સંપર્ક કર્યો હતો.
સાપ હોવાની જાણ થતાં રેસ્ક્યુર મિલન કંટારિયા સ્થળ પર દોડી ગયા હતાં. ત્યાં તેઓને જામનગર જિલ્લામાં અતિ દુર્લભ જોવા મળતો આંશિક ઝેરી Indian Ribbon Snake / Leith’s Sand Snake ‘પટીત રેતીયો સાપ’ મળી આવ્યો હતો. ત્યારબાદ વનવિભાગના સહયોગથી સફળતાપૂર્વક બચાવ કરી કુદરતના ખોળે મુક્ત કર્યો હતો. આવા અલગ પ્રકારનો સાપ જોઈને ભયભીત થયેલા કારખાનાના કામદારોને મિલન કંટારિયાએ સાપ વિશે સાચી માહિતી આપી હતી અને તમામ લોકોનો ભય દૂર કર્યો હતો. તેમજ કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો લાખોટા નેચર કલબ મિલન કંટારિયા 99796 66483 નો સંપર્ક કરવા જણાવાયું હતું.