Monday, December 23, 2024
Homeરાજ્યજિલ્‍લામાં ચોમાસા અને સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે ઓનલાઇન બેઠક યોજાઈ

જિલ્‍લામાં ચોમાસા અને સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી અંગે ઓનલાઇન બેઠક યોજાઈ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ચોમાસા તથા સંભવિત વાવાઝોડાની પુર્વ તૈયારી અંગે અહીંના જિલ્લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાના અધ્‍યક્ષ સ્‍થાને ગુગલમીટ મારફતે વિડીયો કોન્‍ફરન્‍સ યોજાઇ હતી. આ વી.સી.માં જિલ્‍લાના તમામ કર્મચારી-અધિકારીઓ હેડકવાર્ટરમાં રહે તે અંગેની સુચના આપવામાં આવી હતી. લાયઝન અધિકારીએ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહી નિચાણવાળા વિસ્‍તાર તેમજ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્‍ત વિસ્‍તારની મુલાકાત લેવા જણાવ્‍યું હતું. આશ્રયસ્‍થાનો નકકી કરી તેમાં પીવાનું પાણી વિજળી, સેનીટેશન વિગેરેની ચકાસણી કરવા જણાવ્‍યું હતું. આ સાથે કોરોનાના કારણે સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગને ધ્‍યાને લઇ, આશ્રય સ્‍થાનની ક્ષમતા નક્કી કરવા જણાવાયું હતું. દરેક શેલ્‍ટર હોમ ખાતે રાઉન્‍ડ ધ કલોક શેલ્‍ટર ઇન્‍ચાર્જ, મેડીકલ સ્‍ટાફ અને પોલીસ સ્‍ટાફની નિમણુંક કરવા, એન.જી.ઓ.ના સંકલનમાં રહી ફુડ પેકેટ તૈયાર કરવાનું પણ આયોજન કરવા જણાવાયું હતું. હોર્ડિંગ્‍સ તેમજ રસ્‍તા પર આવેલ ઝાડની નડતરરૂપ ડાળીઓ દુર કરવા લગત વિભાગને સુચના અપાઈ હતી. વિજ પુરવઠો સતત જળવાય રહે તે માટેનું આયોજન તથા મેન્ટેનન્સ માટેના મટીરીયલનો જરૂરી જથ્‍થો ઉપલબ્‍ધ રાખવા પીજીવીસીએલને સુચના આપી હતી. માછીમારો દરીયામાં ન જાય અને દરીયામાં ગયેલા માછીમારો તાત્‍કાલીક પાછા આવી જાય તેવી સુચના આપવા ફીશરીઝ ઓફીસરને જણાવવામાં આવ્‍યું હતું. બચાવ અને રાહત કામગીરી માટેની ટીમો બનાવવા તથા શોધ અને બચાવની કામગીરી કરવા માટે આવનાર ટીમના સભ્‍યોને પી.પી.ઇ. કીટ ઉપલબ્‍ધ કરાવવા બાબતે સુચના આપવામાં આવી હતી. વાજબી ભાવની દુકાન ખાતે પુરતા પ્રમાણમાં જથ્‍થો ઉપલબ્‍ધ રાખવા, જીવન જરૂરી આવશ્‍યક ચીજ વસ્‍તુઓનો જથ્‍થો ખરાબ ન થાય તે રીતે સંગ્રહ કરવા, જરૂરી દવાનો જથ્‍થો પુરતા પ્રમાણમાં ઉપલબ્‍ધ રાખવા જણાવાયું હતું.

આ ઉપરાંત દરીયા કિનારાથી પાંચ કી.મી. ની ત્રિજયામાં રહેલા ગામોની યાદી તૈયાર કરવા અને દરીયા કિનારા નજીકના વિસ્‍તારો માટે ચેતવણીની વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને તેમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા ચર્ચા કરવામાં આવી હતી.

ચોમાસા દરમ્‍યાન પશુ મૃત્‍યુ, સરકારી કે ખાનગી મકાનના નુકશાનની વિગતો તાત્‍કાલીક મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરવા, કન્‍ટ્રોલરૂમ કાર્યરત કરવા અને એકશન ટેકન રીપોર્ટ તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.   આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર જાની, કાર્યપાલક ઇજનેર, પ્રાંત અધિકારીઓ, જુદા જુદા તાલુકાના મામલતદાર અને ચીફ ઓફિસર, ફશરીઝ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઓનલાઈન જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular