જામનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ થતું અટકાવવામાં વહીવટી તંત્રની કામગીરી અસરકારક સાબીત નથી થતી. કેમ કે, છેલ્લાં ઘણાં દિવસોથી કોવિડ પોઝિટિવ દર્દીઓનો આંકડો 300 થી વધુ રહે છે અને મૃત્યુનું પ્રમાણ પણ વધતું જાય છે અને જામનગરની કોવિડ હોસ્પિટલમાં વધારેલા બેડ પણ ફુલ થઈ જતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન 309 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી લહેર પ્રથમ લહેર કરતા અનેકગણી ઝડપી અને ઘાતક બનતી જાય છે. ગત વર્ષે વકરેલા કોરોના સંક્રમણ કરતા આ વર્ષે કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન રેકોર્ડ બે્રક 8152 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 81 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 08, વડોદરા કોર્પોરેશનમાં 06, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશનમાં 02-02, અમદાવાદ, આણંદ, ભરુચ, ગાંધીનગર, જૂનાગઢ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીઓના મોત નિપજ્યા છે.
ઉપરાંત રાજ્યમાં કુલ 86,29,022 વ્યકિતઓને કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 12,53,033 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 98,82,055 રસીકરણના ડોઝ અપાયા છે. 24 કલાક દરમિયાન 60 વર્ષથી વધુના તેમજ 45 થી 60 વર્ષ સુધીના કુલ 93,457 વ્યકિતઓને પ્રથમ ડોઝ અને 47,186 વ્યકિતઓને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
જામનગર શહેર અને છેલ્લાં 24 કલાક દરમિયાન 60 થી વધુ દર્દીઓના કોવિડથી મોત નિપજ્યા છે. જ્યારે શહેરમાં 188 પોઝિટિવ કેસ અને 88 દર્દીઓએ કોરોનાને માત આપી છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 121 વ્યકિતોઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 124 દર્દીઓએ કોરોનાને માત આપી છે. શહેરમાં ગઈકાલ સાંજ સુધીમાં કુલ 280806 લોકોના પરીક્ષણ કરાયા છે અને 22 લોકોના મોત થયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 223037 લોકોના પરીક્ષણ કરવામાં આવ્યા છે અને 16 દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી દફતરે નોંધાયેલું છે. આમ, જિલ્લામાં કુલ 309 દર્દીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 212 દર્દીઓએ કોરોનાને માત આપી છે.