જામનગર શહેરમાં કોરોના મહામારી અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ અને માસ્ક ન પહેરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં સોમવારે માસ્ક ન પહેરનારા 15 લોકો પાસેથી 15 હજાર અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના 87 કેસ નોંધી તેમાં 27,800ના રોકડ દંડની વસૂલાત કરવામાં આવી છે.
કોરોના મહામારીનું સંક્રમણ જામનગર શહેર-જિલ્લામાં વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગના ભંગ અને માસ્ક ન પહેરતા લોકો વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત સોમવારે તંત્ર દ્વારા માસ્ક ન પહેરતા 15 લોકો પાસેથી રૂા.15000 ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 87 લોકો સામે સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ હેઠળ ગુનો નોંધી 27800 ની વસૂલાત કરવામાં આવી હતી. આમ સોમવારે કુલ 102 ગુના નોંધી 42800 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
જ્યારે ગત 22 માર્ચથી શરૂ કરેલી આ દંડાત્મક કાર્યવાહી અંતર્ગત 12 એપ્રિલ સુધીમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કુલ 337 માસ્કના કેસ હેઠળ 3,38,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે સોશિયલ ડિસ્ટનસીંગ ભંગના 801 કેસ નોંધી 2,73,050 ની રોકડ દંડ પેટે વસૂલ કરવામાં આવી છે. આમ આજ દિવસ સુધીમાં કુલ 1138 કેસો નોંધી 6,11,550 ના દંડની વસુલાત કરવામાં આવી હતી.
દુ:ખદ બાબત એ છે કે, સામાન્ય પ્રજા પાસેથી માસ્ક ન પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગના ગુના નોંધી રોકડના દંડની વસૂલાત કરી સરકારી તીજોરી ભરવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. જ્યારે કોઇ નેતા કે રાજકીય આગેવાનો અને પ્રજાના પ્રતિનિધિઓ બેરોકટોક માસ્ક પહેર્યા વગર ફરતા હોય છે. જેની સામે પોલીસ કે તંત્ર દંડની વસૂલાત કરવામાં વામણુ બની જાય છે. જેનો ભોગ સામાન્ય પ્રજાએ બનવું પડે છે અને તંત્ર પ્રજા પાસેથી દંડ વસૂલવામાં કોઇ કસર બાકી રાખતી નથી અને કોઇપણ ભોગે આ બન્ને નિયમોનો ભંગ કરનાર કોઇપણ વ્યકિત હોય તેની પાસેથી કાયદાના દંડા દેખાડી દંડની વસૂલાત કરવામાં આવે છે.