કાલાવડ ગામમાં રહેતાં યુવાનની સ્ત્રી મિત્રના પતિ સહિતના ત્રણ શખ્સોએ પ્લમ્બીંગ કામ માટે વિરવાવ ગામે લઇ જઇ ત્યાંથી કારમાં અપહરણ કરી લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવ બાદ પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ અપહરણ-હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં રહેતાં જશ્મીનભાઈ ધીરુભાઇ ટંકારીયા નામના યુવાનને કાલાવડ તાલુકાના પીઠડીયા ગામે રહેતાં મહિલા સાથે મિત્રતા હતી. આ મિત્રતાનો મહિલાના પતિએ ખાર રાખી ગઈકાલે સાંજના સમયે પુર્વ આયોજીત કાવતરુ રચી જશ્મીનભાઈને બે અજાણ્યા શખ્સોએ પ્લમ્બીંગ કામ કરવા માટે કાલાવડ વિરવાવ ગામે લઇ ગયા હતાં. જ્યાં વિરવાવ ગામમાં ચિમન દોમડીયાએ તેની કારમાં આવી અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ જશ્મીનભાઈને ધરારથી કારમાં બેસાડી મરજી વિરૂધ્ધ અપહરણ કરી વિરવાવ થી રણુજા ગામ તરફ જવાના કાચા રસ્તે લઇ ગયા હતાં. જ્યાં ત્રણેય શખ્સોએ જશ્મીનભાઈને ફડાકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળાગાળી કરી લોખંડના પાઈપ વડે આડેધડ હુમલો કરી શરીરે તથા માથામાં અને કપાળમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ જશ્મીનભાઈને પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા જશ્મીનભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગેની ભોગ બનનારના ભાઈ સંદિપભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફે ચીમન દોમડિયા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ પુર્વ આયોજીત કાવતરુ રચી અપહરણ અને હુમલો તથા ધમકીનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


