જામનગર શહેરમાં ગાંજાના વેચાણ સ્થળે રેઇડ કરવા ગયેલા પોલીસકર્મી ઉપર બે મહિલા સહિત ચાર શખ્સો દ્વારા કરાયેલા જીવલેણ હુમલાના બનાવ બાદ શુક્રવારે રેન્જ આઇજી ઘવાયેલા પોલીસકર્મીના ખબર-અંતર પૂછવા હોસ્પિટલે ગયા હતાં.
મળતી વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજો, હેરોઇનની બેરોકટોક થતી હેરાફેરી ડામવા માટે પોલીસતંત્ર હંમેશ માટે એકશનમાં હોય છે. હાલમાં જ જામનગર શહેરના બાલાજી પાર્ક વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એનટી નાર્કોટિક્સ વિંગનો સ્ટાફ દરોડો પાડવા ગયો હતો ત્યારે મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર નામના બે મહિલા સહિતના ચાર શખ્સોએ પોલીસકર્મી દિવ્યરાજસિંહ જાડેજા ઉપર પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગુનેગારો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા દિવ્યરાજસિંહને લોહીલોહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બાદ પોલીસની ટીમે તાત્કાલિક એકશનમાં આવી રેઇડ દરમિયાન મીરા ડામોર અને રાધા ડામોરને ગણતરીના કલાકોમાં જ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા હતા.
ત્યારબાદ નાશી ગયેલા ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર નામના બે શખ્સોની શોધખોળ માટે પોલીસે કવાયત હાથ ધરી હતી. જો કે, હજી સુધી આ બન્ને શખ્સો પોલીસના સકંજાથી દૂર નાસતા ફરે છે. દરમ્યાન નશીલા પદાર્થના ધંધાર્થી દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા પોલીસકર્મી દિવ્યરાજસિંહ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. શુક્રવારે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા ઇન્ચાર્જ એસપી આઇપીએસ પ્રતિભા તથા શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી પીયૂષ વાંદા તથા પોલીસ અધિકારીઓ સાથે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દિવ્યરાજસિંહના ખબર-અંતર પૂછવા ગયા હતા.


