ધ્રોલ તાલુકાના જાયવા ગામના વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીની ત્રણ માસની પુત્રીને સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવી દીધી હતી. દરમ્યાન શ્વાસ નળીમાં દૂધ જતું રહેતાં બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતાં મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના ઉંચી માંડલ ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતાં મધુબેન અમરશીભાઇ બોડાણા (ઉ.વ.25) નામની યુવતીએ તેણીની ત્રણ માસની પુત્રી પાયલબેન અમરશીભાઇ બોડાણા નામની બાળકીને ગત્ તા. 25ના રોજ વહેલી સવારના સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવી દીધી હતી. ત્યારબાદ બાળકીની શ્વાસ નળીમાં દૂધ જતું રહેતાં તબિયત લથડતા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ત્રણ માસની માસુમ પાયલબેનનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના માતા દ્વારા જાણ કરાતા હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


