Homeરાજ્યજામનગરજામનગરમાં નશાના કારોબારીઓના દરોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો - VIDEO

જામનગરમાં નશાના કારોબારીઓના દરોડા દરમિયાન પોલીસ પર પથ્થરમારો – VIDEO

બે પોલીસ કર્મચારી ઘાયલ, એકની હાલત ગંભીર : રૂ. 2.36 લાખની કિંમતનો 4.725 કિલો ગાંજો ઝડપાયો, બે આરોપીઓની અટકાયત

જામનગર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર જ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના સિટી-સી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા ત્રણ બાલાજી પાર્ક નજીકના સેનાનગર વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી હતી. આ દરમિયાન શંકાસ્પદ કોથળા સાથે જોવા મળેલા ચાર શખ્સોની પૂછપરછ કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ સહિત બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક પોલીસ કર્મચારીના માથાના ભાગે ગંભીર ઈજા થતાં ભારે રક્તસ્રાવ થયો હતો. હુમલાની ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ કર્મચારીઓ દિગ્વિજયસિંહ, ઇન્દ્રસિંહ જાડેજા તથા હરુભા જાડેજા સહિતની ટીમ નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણની બાતમીના આધારે પેટ્રોલિંગ અને દરોડાની કામગીરી કરી રહી હતી. દરમિયાન બાલાજી પાર્ક વિસ્તારમાં સિમેન્ટના કોથળા જેવા બેગ સાથે ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં પોલીસે પોતાની ઓળખ આપી કોથળા અંગે પૂછપરછ શરૂ કરી હતી. આ સમયે ઠાકોર કલમ ડામોર, ધર્મેન્દ્ર કલમ ડામોર, રાધા કલમ ડામોર અને મીરા સુનીલભાઈ બિલવા સહિતના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ પાર્ટી પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં પોલીસ કર્મચારીને માથા, ખભા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. આંગળીમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

બીજી તરફ પોલીસ દ્વારા શંકાસ્પદ કોથળાની તપાસ કરવામાં આવતાં તેમાંથી 4 કિલો 725 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 2,36,250 આંકવામાં આવી છે. બનાવની ગંભીરતાને પગલે એલસીબી, સિટી-સી ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સંભવિત હુમલાખોરોની શોધખોળ માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસ પર હુમલો કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 221, 121(1), 121(2), 109(1), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ગાંજાના જથ્થા અંગે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(C), 20(B)(2) અને 29 હેઠળ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવ બાદ ઠાકોર કલમ ડામોર અને ધર્મેન્દ્ર કલમ ડામોર નાસી છૂટ્યા હતા, જ્યારે રાધા ડામોર અને મીરા સુનીલભાઈ બિલવાની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ અને નશીલા પદાર્થોના ગેરકાયદે કારોબાર અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular