કાલાવડ તાલુકાના સનાળા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતા યુવાને લગ્નજીવન દરમ્યાન સંતાન ન થવાથી મનમાં લાગી આવતાં ઓરડીમાં સિમેન્ટના પીઢિયામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની મળતી વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના સનાળા ગામની સીમમાં આવેલા હરજીભાઇના ખેતરમાં મજૂરીકામ કરતાં પરશુભાઇ અનિયાભાઇ ભુરિયા (ઉ.વ.38) નામના ખેતમજૂર યુવાનના લગ્ન સાત વર્ષ અગાઉ થયા હતા અને લગ્નજીવન દરમ્યાન સંતાન ન થવાથી છેલ્લા ઘણાં સમયથી ઉદાસ રહેતો હતો. આ બાબતનું મનમાં લાગી આવતાં ગુરૂવારે સાંજના સમયે ખેતરની ઓરડીમાં અંદરથી દરવાજો બંધ કરી છતમાં સિમેન્ટના પીઢિયામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઇ નરેશ દ્વારા જાણ કરવામાં આવતાં હે.કો. ડી. એસ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી? તે અંગેની તપાસ હાથ ધરી હતી.


