જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં વેપારી યુવાન સાથે ચાર માસ અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ કડા વડે હુમલો કરી ધમકી આપી હતી. જામનગરના કિશાન ચોક, ગણેશવાસમાં શ્રમિક યુવાને ગાળો બોલવાની ના પાડતાં શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુર તાલુકાના પીપળી ગામમાં મજૂરીકામ કરતાં યુવાન ઉપર દીવાલની બાબતે ચાલી રહેલા મનદુ:ખનો ખાર રાખી શખ્સે વૃદ્ધ ઉપર પથ્થરના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી બેશુદ્ધ કરી દીધાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના વાલાસણ ગામમાં રહેતા અને ખેતી તથા વેપાર કરતાં અમિતભાઇ પ્રફૂલ્લભાઇ ભડાણિયા (ઉ.વ.43) નામનો યુવાન તેની દુકાને હતો ત્યારે રાજ સંજય સાપરિયા નામના શખ્સના પિતા સાથે વેપારીને ચાર માસ અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી રાજ સાપરિયા અને ઓમ કૈલાસ સાપરિયા નામના બે શખ્સોએ દીવાળીની રાત્રિના સમયે અમિત ઉપર કડા વડે શરીરે તેમજ હાથમાં હુમલો કર્યો હતો અને ઓમએ વેપારીને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં ગણેશવાસમાં રહેતાં જેરામભાઇ કારાભાઇ શેખા (ઉ.વ.30) નામના શ્રમિક યુવાનના ઘર પાસે ગત્ તા. 09ના સવારના સમયે મનસુખ ત્રિકમ સાગઠિયા નામનો શખ્સ ગાળાગાળી કરતો હોવાથી ગાળો કાઢવાની ના પાડતાં યુવાન ઉપર મનસુખે છરી કાઢી પેટમાં તથા છાતીમાં જીવલેણ ઘા ઝિંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જીવલેણ હુમલામાં ઘવાયેલા જેરામભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
હુમલાનો ત્રીજો બનાવ લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહીને મજૂરીકામ કરતાં સતિષ ખીમજીભાઇ મકવાણા (ઉ.વ. 23) નામના યુવકના ઘરની સામે રહેતાં ચના પરબત મકવાણા સાથે છેલ્લા ઘણાં સમયથી દિવાલ ઉંચી કરવાની બાબતે મનદુ:ખ ચાલતું હતું. તે દરમ્યાન ચના મકવાણાએ ગત્ તા. 11ના રોજ સવારના સમયે સતિષને જેમ ફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સતિષના દાદા ગોવિંદભાઇ હીરાભાઇ મકવાણા (ઉ.વ.70) નામના વૃદ્ધ ઉપર પથ્થરોના છુટા ઘા કરી માથામાં ગંભીર ઇજા કરી હતી. વૃદ્ધ ઉપર કરાયેલા હુમલાના કારણે બેશુદ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એ. જી. જાડેજા તથા સ્ટાફે ચના મકવાણા વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


