કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં પ્રૌઢ ખેડૂતના ફળિયામાં રહેલું આંબાનું ઝાડ આવવા-જવામાં નડતું હોવાથી ગામના જ શખ્સે ખેડૂતે ઝાડ કાપવાની ના પાડતાં ઉશ્કેરાઇને ગાળો કાઢી ડોક મરડી નાખી આંબો કાપી નાખજે નહીંતર હું તને કાપી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના જશાપર ગામમાં રહેતાં અને ખેતી કરતાં વિઠ્ઠલભાઇ ખોડાભાઇ કાછડિયા (ઉ.વ.56) નામના પ્રૌઢ ખેડૂતના ઘરના ફળિયામાં આંબાનું ઝાડ હતું. આ ઝાડ કાંતિ દેવશી લીંબાસિયાને આવવા-જવા માટે અવારનવાર નડતું હોવાથી કાંતિએ ઝાડ કાપી નાખવાનું કહ્યું હતું. જેથી પ્રૌઢે આંબાની ડાળીઓ કાપી નાખી હતી. તેમ છતાં કાંતિ લિંબાસિયાએ પ્રૌઢને ઝાડ કાપી નાખવાનું કહ્યું હતું. પરંતુ પ્રૈાઢ ખેડૂતે ઝાડ કાપવાની ના પાડતાં ગત્ તા. 06ના રોજ સવારના સમયે ઉશ્કેરાયેલા કાંતિ દેવશી લિંબાસિયા નામના શખ્સે વિઠ્ઠલભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઝપાઝપી કરી ધક્કો મારી પછાડી દઇ પ્રૌઢની ડોક મરડી નાખી મોઢા તથા નાક ઉપર મુક્કા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પ્રૌઢને, “આંબો કાપી નાખજે, નહીંતર હું તને કાપી નાખીશ.” તેવી ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફે કાંતિ લિંબાસિયા વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


