Wednesday, October 28, 2026
Homeરાજ્યજામનગરફ્રી ફાયર ગેમના માઘ્યમથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને આસામથી ઝડપી લેતી પોલીસ...

ફ્રી ફાયર ગેમના માઘ્યમથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને આસામથી ઝડપી લેતી પોલીસ – VIDEO

ફ્રી ફાયર વિડીયો ગેમના માઘ્યમથી સંપર્કમાં આવેલ સગીર બાળાનું અપહરણ કરનાર શખ્સને જામનગર સીટી એ ડિવિઝન પોલીસે આસામ ખાતેથી ઝડપી લઇ તેના કબ્જામાંથી સગીરાને મુકત કરાવી તેના માતા પિતાને સોંપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગત તા.8-10-2026ના જામનગર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી અમીનભાઇ સુલેમાનભાઇ સમાની સગીર વયની દિકરીનું અજાણ્યા શખ્સ અપહરણ કરી લઇ ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી. જેને લઇ જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સુચના અને સીટી એ પીઆઇ વી.એમ. ડોડીયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ વી.આર. જોરીયાની રાહબરી હેઠળ અલગ ટીમો બનાવી સીટી ટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન પો.કો. ભગીરથસિંહ જાડેજાને ટેકનીકલ એનાલીસીસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીર વયની બાળા મોબાઇલ ફોનમાં ફ્રી ફાયર વિડીયો ગેમ રમતી હોય તેમાં અજાણ્યા શખ્સે તેની આઇડી બનાવી સગીરા સાથે ગેમ રમી બાદમાં મેસેજથી વાતચીત કરી સગીરાના મોબાઇલ નંબર મેળવ્યા હતાં. અને ફોનથી સંપર્ક કરી સગીરાને લલચાવી ફોસલાવી તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યુ હતું.

હાલ સગીરા આસામ રાજ્યના બોગાઇ ગાવ જિલ્લાના જોગીધોપાનું લોકેશન હોવાનું જાણવા મળતા પીઆઇ વી.એમ. ડોડીયા દ્વારા પીએસઆઇ વી.આર. જોરીયા, એએસઆઇ રવીરાજસિંહ જાડેજા, પો.કો. દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજાની ટીમ બનાવી આસામ ખાતે તપાસ અર્થે રવાના કરી હતી. તપાસ દરમિયાન પ્રઘ્યુત કાર્તિક ચૌધરી આસામીયા નામના શખ્સ સાથે સગીરાને શોધી લઇ આરોપીના કબ્જામાંથી સગીરાને મુકત કરાવી તેના માતા-પિતાને સોંપી હતી અને આરોપી વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પોલીસ દ્વારા જણાવાયું છે કે આજના ડિજિટલ યુગમાં બાળકો ઓનલાઇન ગેમ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે અજાણી વ્યકિતઓના સંપર્કમાં આવી શકે છે. તેથી વાલીઓએ બાળકોની ઓનલાઇન પ્રવૃતિઓ પર નજર રાખવી અજાણ્યા લોકો સાથે મોબાઇલ નંબર અને અંગત માહિતી શેર ન કરવા સમજાવવું તથા કોઇ લાલચ કે ધમકી મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા પ્રોત્સાહિત કરવા જોઇએ. બાળકોની ઓનલાઇન સુરક્ષાએ દરેક વાલીની જવાબદારી છે. જાગૃત બનો, સાવચેત રહો અને બાળકોને સુરક્ષિત રાખો તેમ પોલીસે અપીલ કરી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular