Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં GEN Z ગરબાનું આયોજન રદ થતાં વિવાદનો સુખદ અંત - VIDEO

જામનગરમાં GEN Z ગરબાનું આયોજન રદ થતાં વિવાદનો સુખદ અંત – VIDEO

વડીલોના માન-સન્માન અને સ્થાનિક રહેવાસીઓની રજૂઆતને પગલે રાજેશ ગાંધીનો મહત્વપૂર્ણ નિર્ણય

જામનગરમાં નવરાત્રિ દરમિયાન યોજાનારા GEN Z ગરબા મહોત્સવને લઈને સર્જાયેલા વિવાદનો અંતે સુખદ ઉકેલ આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓની રજૂઆત, વડીલોની લાગણી અને રહેણાક વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજક રાજેશ ગાંધી દ્વારા ગરબાનું આયોજન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.

- Advertisement -

Gen z માટે યોજાયેલ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને નિઃશુલ્ક ગરબા રમવાની તક આપવામાં આવતી હતી. આ વર્ષે પણ ગરબામાં ભાગ લેવા માટે અંદાજે 1800 જેટલા ફોર્મ નિઃશુલ્ક રીતે આવ્યા હતા. અગાઉ આ આયોજન એસિડમમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સોસાયટી સંબંધિત કારણોસર આયોજનને શેરી ગરબાના સ્વરૂપમાં યોજવાની વિચારણા કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના રહેણાક વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડની આસપાસ આવેલી સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા ગરબાના આયોજન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આસપાસની માવી એ, બી, સી, પંચવટી, ગૌશાળા, અંબા વિજય અને પારસ સોસાયટી સહિતની સોસાયટીઓમાં મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે.

આ વિસ્તાર સંપૂર્ણ રહેણાક હોવાથી મોડી રાત સુધી ચાલતા ગરબાના કારણે વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે તેવી ચિંતા રહેવાસીઓએ વ્યક્ત કરી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી અવાજ અને મોડી રાત સુધી ચાલતી પ્રવૃત્તિઓથી અભ્યાસ પર અસર થવાની શક્યતા દર્શાવી સ્થાનિકોએ આયોજન સામે રજૂઆત કરી હતી.

- Advertisement -

સ્થાનિક રહેવાસીઓની રજૂઆત બાદ આયોજકો અને રાજેશભાઈ ગાંધી વચ્ચે બેઠકો યોજાઈ હતી. આ ચર્ચા દરમિયાન રહેવાસીઓની મુશ્કેલીઓ અને વડીલોની લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. અંતે પરસ્પર ચર્ચા અને સમજણના આધારે GEN Z ગરબા મહોત્સવ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આયોજકોના જણાવ્યા અનુસાર, મોટી સંખ્યામાં ખેલૈયાઓએ નિઃશુલ્ક ગરબા રમવા માટે ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યાં હોવા છતાં વડીલોનું માન-સન્માન જળવાઈ રહે અને સ્થાનિક રહેવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આયોજન રદ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં પણ વડીલોની લાગણીઓ અને રહેવાસીઓની સુવિધાને પ્રાથમિકતા આપવાની ભાવના સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

ગરબાના આયોજનને લઈને સર્જાયેલા વિવાદનો ચર્ચા અને સમજૂતીથી અંત આવતાં સ્થાનિક રહેવાસીઓએ રાહત અનુભવી છે. રહેવાસીઓ દ્વારા તેમની રજૂઆતને માન આપીને આયોજન રદ કરવાનો નિર્ણય લેવા બદલ રાજેશભાઈ ગાંધીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

નવરાત્રિમાં ગરબાના ઉત્સાહ અને ખેલૈયાઓની લાગણીઓની સાથે રહેણાક વિસ્તારના લોકોની શાંતિ, વિદ્યાર્થીઓના અભ્યાસ અને વડીલોના માન-સન્માન વચ્ચે સંતુલન જાળવવાનો આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. અંતે, વિવાદને વધુ વકરવા દેવાને બદલે પરસ્પર સંવાદ અને સમજણથી ઉકેલ લાવવાનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular