કાલાવડ ગામમાં જીવાપર રોડ પર ભેંસો દૂર ચરાવવા જવાનું જણાવતાં ચાર શખ્સોએ એકસંપ કરી શ્રમિક યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી કુંડલીવાળી લાકડી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત અનુસાર કાલાવડ ગામમાં જીવાપર રોડ પર આવેલી મોમાઇ કોલોનીમાં રહેતા અને મજૂરીકામ કરતો તરશીભાઇ ઉર્ફે તુલસીભાઇ બચુભાઇ પાટડિયા (ઉ.વ.42) નામનો યુવાન તેના ખેતરે કામ કરતો હતો તે દરમ્યાન તેજસુર ગઢવી નામનો શખ્સ ભેંસો ચરાવતો હોવાથી શ્રમિકે ભેંસો દૂર ચરાવવા જવાનું જણાવતાં ઉશ્કેરાયેલા તેજસુરે જેમ ફાવે તેમ ગાળો કાઢી તરશીભાઇને ફડાકો ઝીંકી દીધો હતો. ત્યારબાદ બપોરના સમયે તરશીભાઇ તેના ઘરે હતા તે દરમ્યાન રાજકરણ રાયધન માલાણી, કીલાણ દેવુ ઘોડા, વિજય હરભમ ઘોડા નામના ત્રણ શખ્સોએ આવીને મારા ભાઇ સાથે કેમ ઝઘડો કરે છે તેમ કહી તરશીભાઇ ઉપર કુંડલીવાળી લાકડી તથા લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા તરશીભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે ઇજાગ્રસ્તના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


