ગુજરાત ભાડા વિધાયક 2026ના વિરોધમાં જામનગર જિલ્લાના વકીલો અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. વકીલોની હડતાલને પગલે સમગ્ર કાર્યવાહી ઠપ્પ રહી હતી.
જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ સુવા અને સેક્રેટરી મનોજભાઇ ઝવેરીના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાએ ગુજરાત ભાડા વિધાયક 2026 પસાર કર્યુ છે જેના કારણે રાજ્યના નાગરીકોને પક્ષકારો તથા વકીલોને ખુબ જ તકલીફ પડે તેવા સંજોગો સર્જાયા છે. આથી નવા કાયદાનો વિરોધ કરવા તથા કાયદામાં જરૂરી સુધારા વધારા કરવા માટે રજૂઆત કરાઇ છે. તેમજ આ રજૂઆતના સમર્થનમાં શનિવારે હડતાલ યોજ્યા બાદ આજથી વકિલો અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. આજે જામનગર બાર એસોસીએશન અને વકીલો દ્વારા કોર્ટ કામકાજથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વકિલો અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરતા કોર્ટ કાર્યવાહી ખોરવાઇ હતી. જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના વકીલો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.



