જામનગરમાં નાલાની ગંદકી, ગંદા પાણીના ભરાવા અને બિસ્માર રસ્તાની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા લાંબા સમયથી સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકોએ મનપાના તંત્ર સહિત જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતાં આખરે જાતે જ સફાઈ કામગીરી હાથ ધરવાની ફરજ પડી છે. તંત્રની કામગીરીની રાહ જોવાને બદલે સ્થાનિકોએ શ્રમદાન કરી નાલા અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી પોતાની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા આશરે 50 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરે છે. વર્ષોથી નાલાની ગંદકી અને ગંદા પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. નાલામાં ગંદુ પાણી સતત ભરાયેલું રહેતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે, જ્યારે ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. નજીકમાં જ સ્કૂલ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક લોકો માટે આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, શહેરના બેડી વિસ્તારમાં આવેલા વૈશાલી નગર નજીક રેલવે નીચે આવેલા અંડર બ્રિજ નાલાની આસપાસનો રસ્તો પણ અત્યંત ખરાબ હાલતમાં છે. ગંદકી, પાણી ભરાવા અને બિસ્માર રસ્તાના કારણે અગાઉ અકસ્માતની ઘટનાઓ પણ બની ચૂકી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કેટલાક લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હોવાની વાત પણ રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
View this post on Instagram
આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા અગાઉ મેયર, કમિશનર તેમજ સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. વારંવાર ફરિયાદો અને રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વખતે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર વાસ્તવિક કામગીરી થતી ન હોવાના કારણે સ્થિતિ યથાવત્ રહે છે.
વર્ષોથી સમસ્યા યથાવત્ રહેતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતો કરીને થાકી ગયેલા રહેવાસીઓએ હવે તંત્રની રાહ જોવાને બદલે જાતે જ શ્રમદાન કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિકોએ એકત્ર થઈ નાલા અને આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી અને પોતાની સમસ્યા દૂર કરવા માટે મહેનત કરી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે જો વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા સફાઈ અને નાલાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં ન આવે અને અંતે લોકોએ પોતે જ સફાઈ કરવી પડે, તો તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. લોકોનું કહેવું છે કે તેઓ કોઈ વિશેષ સુવિધાની માંગણી કરતા નથી, પરંતુ વર્ષોથી વસવાટ કરતા વિસ્તારમાં સ્વચ્છતા, યોગ્ય રસ્તો અને ગંદા પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધા મળે તેવી અપેક્ષા રાખે છે. હવે સ્થાનિકોએ કરેલા શ્રમદાન બાદ તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાની કાયમી નોંધ લેવામાં આવે અને નાલાની સફાઈ, પાણીના નિકાલ તથા બિસ્માર રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વર્ષોથી ચાલતી સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું.


