દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને એસ.વી. કાંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઈ બેરા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના વાનાવડ ગામની સીમ વિસ્તારમાં રહેતા મનદીપ પ્રવીણભાઈ કંટારીયા નામના 31 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજા ભોગવટાની માલિકની વાડી આવેલા મકાનમાં બહારથી માણસો ભેગા કરી, અહીં તેઓને જુગાર રમવા માટે જરૂરી વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડામાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડામાં પોલીસે મનદીપ પ્રવીણ કંટારીયા, દેવાયત દેસુર રાવલીયા, રામદેવસિંહ નટુભા જેઠવા, હરપાલસિંહ હમીરજી જાડેજા, રાજેશ સામત રાવલીયા, યુવરાજસિંહ બાલુભા જાડેજા અને મનીષાબેન ઉર્ફે મોતીબેન સામત અરશી કાંબરીયા નામના સાત વ્યક્તિઓને ઝડપી લીધા હતા.
આ જુગાર દરોડામાં પોલીસે રૂપિયા 1,05,150 ની રોકડ રકમ તથા રૂપિયા 25,000 ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને રૂપિયા 25,000 ની કિંમતનું એક મોટરસાયકલ તથા રૂપિયા એક લાખની કિંમતની એક ઈક્કો મોટરકાર સહિત કુલ રૂપિયા 2,55,150 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


