ધ્રોલ નજીક ઇલેકટ્રીક પોલમાંથી એલ્યુમિનિયમ ધાતુના વીજવાયરની ચોરીના કેસમાં ધ્રોલ પોલીસે પાંચ શખ્સોને ઝડપી લઇ રૂપિયા 2,25,100નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ ધ્રોલના ખારવા ગામથી જાયવા ગામ તરફ જવાના રસ્તા પાસે આવેલ ઇલેકટ્રીક પોલમાંથી એલ્યુમિનિયમ ધાતુના 1200 મીટર લંબાઇના વીજવાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં સંડોવાયેલા શખ્સો વાંકિયા ગામ પાસે આવેલી જલારામ બાપાની જગ્યાની સામે હાઇવે પરથી પસાર થવાના હોવાની ધ્રોલના હે.કો. કલ્પેશભાઇ કામરિયા, રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, સંજયભાઇ સોલંકી, પો.કો. રઘુવીરસિંહ જાડેજાને બાતમી મળી હતી. બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના, જામનગર (ગ્રામ્ય) નાયબ પોલીસ અધિક્ષક પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ વોચ ગોઠવી હતી.
દરમ્યાન ધ્રોલ પીઆઇ પી. એન. ખાચર તથા સ્ટાફએ જીજે10 ટીવાય 0186 નંબરની મારૂતિ સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી રોકી તલાશી લેતાં કરણ મનોજ મકવાણા, અશ્ર્વિન ઉર્ફે શુકલિયો વિજય રાઠોડ, અરવિંદ કિશોર સોલંકી, કમલેશ ઉર્ફે રામ મગન રાઠોડ, વિશાલ ઉર્ફે બાડિયો કેશુ રાઠોડ નામના પાંચ શખ્સોને ચોરીમાં ઉપયોગ કરેલ રૂા. 2,25,000ની કિંમતનું વાહન તથા લોખંડનું કટ્ટર સહિત કુલ રૂા. 2,25,100ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ કેસમાં સંડોવાયેલ ઘનશ્યામ રમણિક મકવાણા તથા ચોરીનો માલ લેનાર રમેશ સવજી ભદ્રાની શોધખોળ હાથ ધરાઇ છે.
આરોપી કમલેશ ઉર્ફે રામ મગન રાઠોડ તથા વિશાલ ઉર્ફે બાડિયો કેશુ રાઠોડ વિરૂદ્ધ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનો પણ નોંધાયો છે.


