Tuesday, September 15, 2026
Homeરાજ્યજામનગરવરસાદ પડતાં જ ‘બેટ’ બની જાય છે 7 હજારની વસ્તી ધરાવતું નવું...

વરસાદ પડતાં જ ‘બેટ’ બની જાય છે 7 હજારની વસ્તી ધરાવતું નવું નાગના! – VIDEO

જૂના નાગના–નવા નાગનાને જોડતો બેઠા પુલ પર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો : લાખોના ખર્ચે પુલ મંજૂર-ખાતમુહૂર્ત છતાં વર્ષોથી સમસ્યા યથાવત્

જામનગર તાલુકાના નવા નાગના ગામના ગ્રામજનો માટે વરસાદી સિઝન ફરી એક વખત મુશ્કેલી લઈને આવી છે. નવા નાગના અને જુના નાગનાને જોડતા માર્ગ પર નદી વચ્ચે આવેલો બેઠો પુલ વરસાદી પાણીના વહેણ વચ્ચે અવારનવાર સંપર્ક વિહોણો બની જાય છે. હાલ પુલ પર લાકડા તથા જંગલી ઘાસ આવી જતાં પાણીના વહેણમાં અવરોધ સર્જાયો છે અને બંને ગામ વચ્ચેનો સીધો માર્ગ બંધ થવાની સ્થિતિ ઊભી થઈ છે.

- Advertisement -

નવા નાગના ગામમાં અંદાજે 7 હજાર જેટલી વસ્તી વસવાટ કરે છે. સામાન્ય વરસાદ પડે કે ઉપરવાસમાં સારો વરસાદ થાય ત્યારે નદીમાં પાણીનું વહેણ વધતાં આ બેઠો પુલ ઉપરથી પસાર થવું જોખમી બની જાય છે. પરિણામે વરસાદી સિઝન દરમિયાન આખું નવું નાગના ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ગ્રામજનોને શહેર તરફ આવવા-જવા માટે મુખ્ય માર્ગ છોડીને વિભાપર તરફનો લાંબો રસ્તો અપનાવવાની ફરજ પડે છે.

- Advertisement -

વરસાદી પાણી વધતાં માત્ર વાહન વ્યવહાર જ નહીં પરંતુ રોજિંદા જીવનને પણ અસર થાય છે. નોકરી-ધંધા, શિક્ષણ, સારવાર, ખરીદી સહિતની જરૂરી કામગીરી માટે બહાર જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને અચાનક વરસાદ અથવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણી વધી જાય ત્યારે થોડા સમય માટે પણ આ માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થઈ જતાં ગ્રામજનોની મુશ્કેલી અનેકગણી વધી જાય છે.

આ સમસ્યા આજની નથી, પરંતુ વર્ષોથી યથાવત્ છે. નવા નાગના અને જુના નાગનાને જોડતા માર્ગ પર કાયમી ઉકેલ માટે ગ્રામજનો તથા આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સમસ્યાની ગંભીરતા ધ્યાનમાં લઈને લાખોના ખર્ચે પુલ બનાવવાની કામગીરી એક વખત નહીં પરંતુ અનેક વખત મંજૂર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. પુલના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈને કોઈ કારણસર પુલનું કામ આગળ વધી શક્યું નથી.

- Advertisement -

એક તરફ પુલ બનાવવા માટે લાખોની યોજનાઓ મંજૂર થાય છે અને ખાતમુહૂર્ત પણ થાય છે, જ્યારે બીજી તરફ ચોમાસું આવે એટલે ગ્રામજનોને ફરી એ જ બેઠકા પુલ અને નદીના વધતા પાણીનો સામનો કરવો પડે છે. વર્ષો બાદ પણ કાયમી પુલનું નિર્માણ ન થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. મંજૂરી અને ખાતમુહૂર્ત બાદ પણ પુલનું કામ પૂર્ણ ન થવાથી ગ્રામજનોમાં રોષ અને નિરાશાની લાગણી જોવા મળી રહી છે.

હાલ પુલ વિસ્તારમાં લાકડા તથા જંગલી ઘાસના કારણે પણ પાણીના વહેણમાં અવરોધ સર્જાયો હોવાથી ગ્રામજનોની મુશ્કેલી વધુ ગંભીર બની છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પુલ ઉપરથી લાકડા અને જંગલી ઘાસ દૂર કરી પાણીનો પ્રવાહ સરળ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા કાયમી પુલના કામને ઝડપથી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ છે.

આ સમગ્ર મામલે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સુનિલ રાઠોડ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. નવા નાગના અને જુના નાગનાના ગ્રામજનોને દર ચોમાસે પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવે અને ગામનો સંપર્ક વરસાદી પાણીના કારણે ન તૂટે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે વર્ષોથી મંજૂરી અને ખાતમુહૂર્તની વાતોમાં અટવાયેલો આ પુલ ક્યારે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે છે અને 7 હજારથી વધુ ગ્રામજનોને ચોમાસાની આ કાયમી મુશ્કેલીમાંથી ક્યારે મુક્તિ મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular