રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી જામનગર શહેરના હાર્દસમા ટાઉનહોલ સર્કલને એક નવી અને વિશિષ્ટ ઓળખ મળી છે. આકર્ષક અને સુવ્યવસ્થિત લેન્ડસ્કેપિંગની સાથે વન્યજીવોની વિશિષ્ટ દુનિયા સમા વનતારાની થીમ સાથે વિકસાવવામાં આવેલા આ સર્કલનો લોકાર્પણ સમારોહ રવિવારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ તથા મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર, પીપીપી પ્રોજેક્ટ અંતર્ગત કંપનીએ હાથ ધરેલાં સર્કલ બ્યૂટીફિકેશનની વિશિષ્ટતા એ રહી છે કે, તેમાં શહેરી વિકાસ સાથે પ્રકૃતિ અને વન્યજીવન સંરક્ષણના વિચારનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. વન્યજીવનને માત્ર જંગલો કે સંરક્ષિત વિસ્તારો પૂરતું સીમિત ન રાખીને તેને લોકોના રોજિંદા જીવન અને જાહેર સ્થળો સાથે જોડવાના ઉમદા વિચારને મૂર્તિંમંત કરવા સર્કલને વનતારાની થીમ આધારિત બનાવવામાં આવ્યું છે. જેમાં વિશાળ કદના સિંહનું શિલ્પ અબાલ, વૃદ્ધ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં, તેની સાથોસાથ ચિતલ(હરણ), સારસ, વનરાજ અને અજગર સહિતના વિવિધ વન્યજીવોના શિલ્પોને પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓની મહિનાઓની આયોજનબદ્ધ કામગીરી બાદ ટાઉન હોલ સર્કલને નવું અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવનિર્મિત સર્કલમાં મહતમ હરિયાળા વિસ્તારમાં સુંદર લેન્ડસ્કેપિંગ તથા આકર્ષક રેલિંગ સહિતની વિવિધ સુવિધાઓ વિકસતા તેની સુંદરતામાં વધારો થયો છે, એટલું જ નહીં શહેરના આ મહત્વપૂર્ણ જાહેર સ્થળને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક ઓળખ મળી છે.મહત્વપૂર્ણ છે કે,શહેરની નવી ઓળખ બનેલા આ સર્કલના નવનિર્માણ ઉપરાંત તેનો નિભાવ (મેઈન્ટેનન્સ) પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ કરશે.
નવનિર્મિત સર્કલના લોકાર્પણ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર સહિતના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તથા મહાનગરપાલિકા તથા રિલાયન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


