ભારતીય સેનાના ઉપક્રમે હિમાચલ પ્રદેશની કઠિન સ્પીતિ વેલી ખાતે 28 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન વિખ્યાત ‘સૂર્યા સ્પીતિ મેરેથોન એન્ડ હાફ મેરેથોન-2026’ (3જી આવૃત્તિ)નું આયોજન કરવામાં આવ્યું હતું. પૃથ્વીના સૌથી કઠિન અને શ્ર્વાસ અધ્ધર કરી દેનારા હાઇ-અલ્ટીટ્યુડ એડવેન્ચર માર્ગો પર આયોજિત આ મેરેથોનમાં જામનગર સાયકલિંગ ક્લબના સાહસિક સભ્યો ભાગ લઈને ગુજરાત અને જામનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું હતું. જામનગર સાયકલીંગ કલબના ડો. વિરાણી, ડો. ધવલ, રાહુલ ગણાત્રા, હાર્દિક સોલંકી, ધર્મેશ પાટીદાર, હરીશભાઈ, દર્શિલ, વૈશાલી પાટીદાર અને ક્રિષ્ના લઠ્ઠાનો સમાવેશ થયો છે.
સમુદ્ર સપાટીથી 11,000 થી 12,000 ફૂટથી પણ વધુ અકલ્પનીય ઊંચાઈ પર જ્યાં હવાની દરેક સિસકારો ઓક્સિજન માટે જંગ માગે છે, ત્યાં જામનગરના આ સાહસવીરો પોતાના અદમ્ય ધૈર્ય, સાહસ અને અથાક મનોબળનો પરિચય આપ્યો હતો. લદ્દાખ બાદ હવે સ્પીતિ વેલીના થીજી જતાં બરફીલા પવનો, પ્રાચીન મઠોની પવિત્ર શાંતિ અને કઠોર પહાડી માર્ગો વચ્ચે જામનગરના આ દોડવીરો માનવ ક્ષમતાઓની તમામ સીમાઓને નવી વ્યાખ્યા આપી હતી.


