જામનગર તાલુકાના નાઘુના ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે રાજકોટ રેન્જ આઇજીની ટીમે રેઇડ દરમ્યાન રૂા. 4.61 લાખના મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતા. ભાણવડના ગુંદલા ગામમાંથી પોલીસે રેઇડ દરમિયાન પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ પોલીસે રૂા.19,200 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાંથી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા. 14,600ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના ખાયડી ગામમાંથી જુગાર રમતા 5 શખ્સોને રૂા. 14,700ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના નાઘુના ગામમાં પુલની નીચે અંધારામાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી ટીમે રેઇડ દરમ્યાન હસમુખ હેમંત અકબરી, ગૌતમ મનસુખ વેકરિયા, ભાવેશ ચના પ્રાગડા, ઝલક નંદલાલ મોરડ, જશ્મિન અમૃતભાઇ સોરઠિયા, રાજેશ અરજણ અકબરી, ચિરાગ કેશુ વાડોદરિયા નામના સાત શખ્સોને પોલીસે રૂા. 1,91,000ની રોકડ રકમ અને ગંજીપન્ના તથા રૂા. બે લાખની કિંમતના ચાર બાઇક અને રૂા. 70 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા. 4,61,000ના મુદામાલ સાથે ઝડપી લઇ પંચકોષી ‘બી’ ડિવિઝનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો ભાણવડના ગુંદલા ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડની પાછળ જાહેરમાં તીનપતીનો જુગાર રમતો હોવાની ભાણવડના પો.કો. યોગરાજસિંહ ઝાલા, હે.કો. નારણભાઇ બેલા, એએસઆઇ કિશોરસિંહ જાડેજા, હે.કો. જીતુભાઇ જામને મળેલ બાતમીના આધારે દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સુુચના અને નાયબ પોલીસ અધિક્ષક મિત રૂદલાલના માર્ગદર્શન મુજબ ભાણવડના પીઆઇ વી.કે. કોઠીયા, એએસઆઇ જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, હે.કો. નારણભાઇ બેલા, જીતુભાઇ જામ, વિપુલભાઇ હેરભાઇ, પો.કો. યોગરાજસિંહ ઝાલા, લાલભાઇ ખાટલીયા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન હેત લાખા ખોલા, રાજુ વજશી ખોલા, ધના દેવાણંદ ખોલા, ભાવેશ કરશન ખોલા, ભાયા દેવશી ટોરીયા સહિતના પાંચ શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા.19,200ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં ટીમલાવાસ શેરીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં રમેશ ડીઝલ ડાભી, મેરા વાલજી ડાભી, દિનેશ ઉર્ફે મીથુન નાથા વાઘેલા, અરજણ વાલજી ડાભી, કુલદીપસિંહ કૃષ્ણસિંહ જાડેજા, નવઘણ ઉફેૃ રવી આંબા ઝાપડા, ભરત ઉર્ફે જગુ સામત ઝાપડા નામના સાત શખ્સોને ધ્રોલ પોલીસે રૂા. 14,600ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો લાલપુર તાલુકાના ખાયડી ગામમાં આવેલી સુરીપટ સીમમાંથી જુગાર રમતાં રાજેશ જગા નાગેશ, ભરત ઉર્ફે ભૂપત અરજણ ડાંગર, દેવાયત ઉર્ફે દેવા ઉજા, જયેશ ઉર્ફે કાનો દેવા બંધિયાર, નિલેશ પરબત મારિયા નામના પાંચ શખ્સને લાલપુર પોલીસે રેઇડ દરમયાન રૂા. 14,700ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામજોધપુર ગામમાં પટેલ સમાજ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં દિનેશ ભગવાનજી સુરેજા, અશ્વિન ડાયા કાંજિયા, સુભાષ પરબત જાવિયા, નીતિન મોહન વાછાણી, નીતિન ગોરધન કનેરિયા, પ્રકાશ મનસુખ પરસાણિયા નામના 6 શખ્સોને સ્થાનિક પોલીસે રેઇડ દરમયાન રૂા. 13,300ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
છઠ્ઠો દરોડો જામનગર શહેરના નાગમતિ આવાસથી આગળ શિતલવન સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં દસ મહિલાઓને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 13,100ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. સાતમો દરોડો જામનગર શહેરના માટેલ ચોક, ક્રિષ્ના પાર્ક, શેરી નંબર 3 પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન પાંચ મહિલા અને ધનરાજસિંહ નવલસિંહ પરમાર, સાવન શૈલેષ બાવરિયા, રોહિત કિરીટ સોઢા, રવિ વસંત રાઠોડ, મનોજ કિશન પુરબિયા, વિજય નીતિન સોમાણી સહિત 11 શખ્સોને રૂા. 12 હજારની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાસી ગયેલા પૃથ્વીરાજસિંહ વાઢેર સહિતના 12 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઠમો દરોડો જામનગર તાલુકાના શેખપાટ ગામમાં નવાપરા વિસ્તારમાં લાઇટના અજવાળે તીનપતી રમતા સંજય બાબુ ડાભી, અરવિંદ લાલજી ધારેવડિયા, ગોવિંદ મનસુખ ધારેવાડિયા, રાજા પેમા ધારેવાડિયા, ખોડા મેરૂ ધારેવાડિયા નામના પાંચ શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 3730ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. નવમો કાલાવડ ગામમાં કાશ્મિરપરામાં જાહેરમાં તીનપતી રમતાં 6 મહિલા અને એક કિન્નર સહિત સાત શખ્સોને કાલાવડ પોલીસે રૂા. 1350ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.


