Saturday, July 25, 2026
Homeરાજ્યજામનગરન ગમતી પત્નીની હત્યા નિપજાવનાર નિષ્ઠુર પતિની ધરપકડ

ન ગમતી પત્નીની હત્યા નિપજાવનાર નિષ્ઠુર પતિની ધરપકડ

જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં લગ્ન પછી પત્ની ગમતી ન હોવાથી અવારનવાર ઝઘડો અને કંકાસ કરી ગત્ મદ્યરાત્રિના દાતરડા અથવા ધારિયા જેવા તિક્ષણ હથિયાર વડે પત્ની ઉપર હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની ધરપકડ કરી હતી.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી હત્યા, હત્યાના પ્રયાસો, જાહેરમાં હુમલા જેવા ગંભીર બનાવો દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. શહેરી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં એક પછી એક હત્યાના બનાવ બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પોલીસની ધાક ઓસરતી જતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં બનેલી વધુ એક હત્યાની વિગત મુજબ જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલી શાલીપુરની દરગાહ પાછળ, રાજમોતી સોસાયટી-3માં રહેતી વર્ષાબેન મનિષ કછેટિયા નામની પરિણીતાને તેણીના લગ્ન પછી તેના પતિ મનિષ નાગજી કછેટિયાને પત્ની ગમતી ન હોવાથી રાખવી ન હતી. જેના કારણે પત્નીને અવારનવાર પરેશાન કરી નાની નાની બાબતોમાં ગૃહકંકાસ કરતો હતો. તેમજ ગત્ મધ્ય રાત્રિના કોઇ કારણસર પત્ની વર્ષાબેન સાથે ઝઘડો કરી માથામાં તથા ગળાના ભાગે દાતરડા અથવા ધારિયા જેવા તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

પતિ દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં પત્ની વર્ષાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. ત્યારબાદ વર્ષાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યૂ હતું. યુવતીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતકના ભાઇ પરસોત્તમભાઇ સોનગરા દ્વારા જાણ કરાતા પીઆઇ વી. એ. ડોડિયા તથા સ્ટાફ હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના પતિ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારા મનિષ નાગજી કછેટિયાની ધરપકડ કરી પૂછપરછ આરંભી હત્યા નિપજાવેલ હથિયાર કબ્જે કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular