જામજોધપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્યત્ર તાલુકાઓ કોળાધાકોળ રહ્યા છે. જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટાછવાયા વરસાદી છાંટા જોવા મળ્યા હતાં. જોડિયા તાલુકામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાસજાળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
જામનગર શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે શહેરીજનો મેઘરાજા મન મુકીને વરસે તેવી રાહ જોઇ રહ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જામજોધપુર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વર્ષે હજુ સુધી જોઇએ તેવો વરસાદ ન થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. જામજોધપુર તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન એક ઇંચ વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં અન્ય તાલુકાઓની સાપેક્ષે જામજોધપુર તાલુકા ઉપર મેઘરાજા મહેરબાન થયા હોય તેવું દેખાઇ રહ્યું છે. જામજોધપુર તાલુકામાં ગઇકાલે એક ઇંચ વરસાદ સહિત 9 ઇંચ વરસાદ નોંધાયો છે જે જિલ્લાના તમામ તાલુકાઓમાં સૌથી વધુ છે. જ્યારે સૌથી ઓછો જામનગર તાલુકામાં અત્યાર સુધીમાં સવા ઇંચ વરસાદ જ થયો છે. છેલ્લા 24 કલાકમાં જોડિયા તાલુકામાં વરસાદી ઝાપટા સ્વરૂપે 4 મી.મી. વરસાદ નોંધાયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ છુટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. છેલ્લા 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના વાંસજાળીયામાં અડધો ઇંચ, સમાણામાં 5 મી.મી., જામવાડીમાં 6 મી.મી., ધુનડામાં 2 મી.મી., પરડવામાં 8 મી.મી., લાલપુર તાલુકાના ભણગોરમાં 4 મી.મી., પડાણામાં 1 મી.મી., કાલાવડ તાલુકાના મોટાવડાળામાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે.


