કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં ભરવાડ યુવાન સાથે સાત-આઠ મહિનાથી સગપણ બાબતે ચાલી રહેલા મનદુ:ખમાં બે પરિવારો વચ્ચે સામસામા સશસ્ત્ર હુમલો અને ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી મહિલા સહિતના 14 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ હુમલાના બનાવની વિગત મુજબ કલ્યાણપુરના કબીરનગર વિસ્તારમાં રહેતા અર્જુનભાઈ હીરાભાઈ રાઠોડ (ઉ.વ. 25) નામના યુવાન સાથે છેલ્લા સાત-આઠ મહિનાથી સગપણ બાબતે ચાલી રહેલા મનદુ:ખ વચ્ચે ગઈકાલે ગુરુવારે આરોપી મંગરાભાઈ હાજાભાઈ ચાવડા, રાજાભાઈ હાજાભાઈ, માયા હાજાભાઈ, નાગજી માયાભાઈ, વિજય ગોવાભાઈ, ગોગન ધનાભાઈ, મચ્છા કુંભાભાઈ લાંબરીયા અને સાજીબેન મંગરાભાઈ ચાવડા નામના આઠ વ્યક્તિઓએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફરિયાદી તથા સાહેદો પર લાકડાના ધોકા, ધારિયા વિગેરે વડે હુમલો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું અર્જુનભાઈ રાઠોડની ફરિયાદમાં જાહેર થયું છે.
સામાપક્ષે ગોગનભાઈ ધનાભાઈ ચાવડા (ઉ.વ. 65, રહે વડત્રા, તા. ખંભાળિયા, હાલ કલ્યાણપુર) દ્વારા અર્જુન હીરાભાઈ રાઠોડ, નાગજી મચ્છાભાઈ રાઠોડ, દિનેશ મચ્છાભાઈ રાઠોડ ગોવિંદ નાથાભાઈ વેસરા (રહે. પાસ્તર), દિનેશ જીવાભાઈ વેસરા (રહે. રાજપરા) અને સામત લાલાભાઈ મકવાણા (રહે. ચંદ્રાવાડા) સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી ગોગનભાઈના કુટુંબીને આરોપી અર્જુનભાઈ સાથે છેલ્લા સાત-આઠ મહિનાથી સગપણ બાબતે મન દુ:ખ ચાલ્યું આવતું હતું. જે વચ્ચે આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી, ધારીયા અને પથ્થર એવા મારક હથિયારો વડે હુમલો કરીને ફરિયાદી તથા સાહેદોને ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બંને પક્ષે કુલ 14 વ્યક્તિઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


