જામનગર જિલ્લામાં ખેડૂતોના ઉભા પાકને બચાવવા સૌની યોજના હેઠળ ડેમો, તળાવો અને ચેકડેમોમાં સિંચાઇનું પાણી છોડવા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
આમઆદમી પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે અથવા અપૂરતા વરસાદને કારણે ખેડૂતોનો કિંમતી ઉભો પાક સૂકાઇ જવાના આરે છે. જો આગામી દિવસોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ, ખાતર અને રાત-દિવસની મહેનત નિષ્ફળ જશે. જેના પરિણામે જગતનો તાત આર્થિક પાયમાલી તરફ ધકેલાઇ જશે. જામનગર જિલ્લાના જોડિયા, જામનગર, ધ્રોલ, કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકાના હજારો ખેડૂતોના કૃષિપાકને જીવતદાન આપવા માટે સૌની યોજના આશીર્વાદરૂપ બની શકે તેમ છે. આથી સૌની યોજના લિંક 1 અને લિંક 3 અંતર્ગત ઊંડ 1, ઊંડ 2, ઊંડ 3 તથા ઊંડ 4, કંકાવટી ડેમ, આજી 3, આજી 4, સપડા ડેમ, રૂપારેલ ડેમ, સસોઇ ડેમ, રણજિતસાગર ડેમ, રંગમતિ ડેમ, વિજરખી ડેમ અને વોડીસાંગ ડેમમાં નર્મદાના નિર છોડવા માંગણી કરવામાં આવી છે.
વધુમાં જણાવાયું છે કે, મોટા તળાવો અને ચેકડેમોમાં સૌની યોજના હેઠળ જોડીને તાત્કાલિક પાણી આપવામાં આવે તો ભૂગર્ભ સ્તર પણ ઊંચા આવશે અને ઉભો પાક સંપૂર્ણપણે બચી જશે. આથી આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.


