જામનગર તાલુકાના સપડા ગામની ગોળાઇથી મિયાત્રા ગામ જવાના કાચા રસ્તેથી ટ્રેકટર લઇને જતાં ખેડૂત યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં રહેતા અને ખેતીકામ કરતાં પ્રવીણસિંહ રણજિતસિંહ કેર (ઉ.વ.38) નામનો યુવાન ટ્રેકટર લઇને સપડા ગામના ખેડૂતોના ખેતરમાં ભાડેથી વાવેતર કરી તેના ઘરે જતો હતો ત્યારે ગત્ તા. 10ના રોજ સાંજના સમયે સપડાની ગોળાઇથી મિયાત્રા જવાના કાચા માર્ગ પર પહોંચ્યો ત્યારે અનિરૂદ્ધસિંહ ઉર્ફે અન્યો ભૂપતસિંહ દેદા, જયેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા, ચિરાગ રાવત નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી પ્રવીણસિંહનું ટ્રેકટર ઉભું રખાવી બોલાચાલી અને ઝપાઝપી કરી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે તથા લાતો મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એસ. જી. જાડેજા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


