Wednesday, July 15, 2026
Homeરાજ્યહાલારઆરંભડામાં પૂર્વ જમાઈ સહિતનાઓ દ્વારા સસરાની કરપીણ હત્યા

આરંભડામાં પૂર્વ જમાઈ સહિતનાઓ દ્વારા સસરાની કરપીણ હત્યા

છૂટાછેડાનો ખાર રાખી સસરાનું કાસળ કાઢયું : અવાર-નવાર દારૂના નશામાં માથાકૂટ કરતો : પૂર્વ જમાઈ અને તેના વેવાઈ સહિતના ત્રણની ધરપકડ : હત્યા બાદ લાશ રેતીના ખાડામાં દાટી દીધી

ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક આધેડને તેમના પૂર્વ જમાઈ, વેવાઈ તેમજ જમાઈના મિત્ર દ્વારા ઘાતક હુમલો કરી, મોતને ઘાટ ઉતાર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસની કાર્યવાહીમાં ત્રણેય શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -

ઓખા મંડળમાં ચકચારી બની આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર નજીક આવેલા આરંભડા વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ભનુભાઈ મકવાણા નામના 55 વર્ષના દેવીપૂજક માછીમાર આધેડના બે લગ્ન થયા છે. તેમની ત્રણ પરિણીત પુત્રીઓ પૈકી સૌથી મોટી પુત્રી સંગીતાના લગ્ન ચોપગી (આરંભડા) વિસ્તારમાં રહેતા જય વિજયભાઈ પરમાર સાથે થયા હતા. તેણીના લગ્નજીવન દરમિયાન સંગીતાનો પતિ જય અવારનવાર કથિત રીતે દારૂના નશામાં તેણી સાથે મારકૂટ કરતો અને ઘરમાંથી કાઢી મૂકતો હતો. તેથી કંટાળીને સમાજના રીત-રિવાજ મુજબ સંગીતાબેનના છૂટાછેડા કરાવી આપવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે.

આ પછી પણ અવારનવાર જય તેના સસરા ગોવિંદભાઈના ઘરે આવતો હતો. જયના આટા-ફેરાથી કંટાળીને ગોવિંદભાઈએ તેમની પુત્રી સંગીતાને તેણીની નાની બહેન કવિતાના ઘરે મોકલી આપી હતી. છૂટાછેડાનો ખાર રાખીને અગાઉ જયએ તેના પૂર્વ સસરા ગોવિંદભાઈ મકવાણાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગત રવિવાર તારીખ 12 જુલાઈના રોજ રાત્રિના સમયે તેઓ પોતાના મોટરસાયકલ પર બેસીને તેમના નિત્યક્રમ મુજબ માછીમારીનો સર-સામાન લઈને આરંભડા સીમ વિસ્તારમાં આવેલા દરિયાકાંઠે માછીમારી કરવા માટે ગયા બાદ તેઓ ઘરે પરત ન ફરતા આ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ગુમનોંધ પણ કરાવી, તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ પછી વધુ તપાસમાં તેમની હત્યા થયાનું જાહેર થયું છે. આ અંગે મૃતકના નાનાભાઈ અરવિંદભાઈ ભનુભાઈ મકવાણા (ઉ.વ. 53, રહે. આરંભડા)એ મૃતક ગોવિંદભાઈના જમાઈ જય વિજય પરમાર, તેમના વેવાઈ રમેશ લખમણભાઈ પરમાર અને જયનો મિત્ર રામા ભીખુભાઈ વાઘેલા સામે તેમના મોટાભાઈ ગોવિંદભાઈનું ખૂન કરી તેમની લાશને રેતીમાં દાટી દીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

- Advertisement -

આ અંગેની વધુ વિગતમાં સંગીતાના છૂટાછેડા બાબતનો ખાર રાખીને તેણીના પૂર્વ પતિ જય સહિતના ત્રણેય શખ્સોએ રવિવારે રાત્રે આશરે 9:30 વાગ્યાના સમયે માછીમારી કરવા ગયેલા ગોવિંદભાઈનો પીછો કર્યો હતો અને માર્ગમાં તેમને અટકાવી ઢીકાપાટુનો તેમજ હાથમાં લોખંડના કડા વડે બેફામ માર માર્યા બાદ દોરી વડે ગળા ટુંપો દઈ અને તેમની હત્યા નિપજાવી હતી. આ પછી આરોપીઓએ દરિયાકાંઠે રેતીમાં ખાડો ખોદીને લાશને દાટી દીધી હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમે તાકીદની કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને દબોચી લઈ, આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવે નાના એવા આરંભડા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular