જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ન્યુસન્સ ફેલાવતાં કોમર્શિયલ એકમો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 800 જેટલા કોમર્શિયલ એકમોને નોટીસ આપવામાં આવી છે. તેમજ ગત્ સપ્તાહ દરમ્યાન 234 આસામીઓ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરતાં રૂપિયા 90 હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.
જામનગર મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં કોમર્શિયલ એકમો, હોટેલો, રેસ્ટરન્ટ્સ, રેંકડીધારકો વિરૂદ્ધ ન્યુસન્સને લઇ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ધંધાકીય એકમના સ્થળ ઉપર કચરો એકત્ર કરવા ફરજિયાત ડસ્ટબિન રાખવા, ગ્રાહકો કચરાને ડસ્ટબિનમાં જ નાખે તે સુનિશ્ર્ચિત કરવા, એકમમાંથી કોઇપણ પ્રકારના પાણી, વેસ્ટપાણીનો નિકાલ જાહેરમાં ન કરવા, ધંધાકિય એમની અંદરની સફાઇ કરવામાં આવે તે કચરો ફક્ત એકમના ડસ્ટબિનમાં જ રાખવાનો અને તે ડસ્ટબિનના કચરાને માત્ર જામપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં આપવા, ધંધાને રાત્રે જ્યારે બંધ કરવામાં આવે કે સવારે ખોલવામાં આવે ત્યારે કોઇપણ પ્રકારનો કચરો જાહેરમાં, ખુલ્લા પ્લોટમાં, ઓપન પોઇન્ટ કે અન્ય બિન્સમાં ફેંકવો નહીં. તેને માત્ર ગાર્બેજ કલેક્શન કરતાં વાહનોમાં જ આપવા, ધંધાકીય એકમ આજુબાજુ સફાઇ જાળવવા સહિતની બાબતોનું પાલન કરવા જામ્યુકો દ્વારા કોમર્શિયલ એકમો, હોટેલો, રેસ્ટોરન્ટ્સ, રેંકડીધારકોને તાકિદ કરવામાં આવી છે.
આ તમામ બાબતો જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી સાથે સંકળાયેલ હોય જેની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આ તમામ બાબતોની સાથે શહેરના કોમર્શિયલ એકમોને નોટીસ પાઠવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જામ્યુકો દ્વારા આઠસોથી વધુ કોમર્શિયલ એકમોને નોટીસ આપવામાં આવી છે. તેમજ આ અંગે જો બેદરકારી દાખવવામાં આવશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતાં પણ કોઇ સુધારો નહીં જોવા મળે તો જીપીએમસી એક્ટ હેઠળ ધંધાકીય એકમ/વ્યવસાયને બંધ કરવા/માલિકીની મિલકતને કલોઝડાઉન/સિલિંગ કરવા સહિતના પગલાં લેવામાં આવશે.
આ બાબતોની અમલવારી ન કરવા અંતર્ગત ગત્ અઠવાડિયામાં જામ્યુકો દ્વારા કુલ 234 જેટલા આસામીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી કુલ રૂપિયા 90 હજાર જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. શહેરના તમામ કોમર્શિયલ એકમોને જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવા તાકિદ કરાઇ છે.


