જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી હોટલ પાસે બાઇક ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન અને તેના મિત્રો ઉપર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરી મોબાઇલમાં નુકસાન પહોંચાડી છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા આદિત્ય પાર્ક, શેરી નંબર બેમાં રહેતો અને ડ્રાઈવિંગ કરતો મોઇન હનિફભાઇ જીવરાણી (ઉ.વ.22) નામના યુવાનને આજથી બે માસ પહેલા અશરફ સુમરા અને યુવી નામના શખ્સ સામે બાઇક ચલાવવા જેવી સામાન્ય બાાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી સોમવારે મદ્યરાત્રિના સમયે ગુલાનગરમાં રાજ હોટલ પાસે મોઇન અને તેનો મિત્ર બન્ને જણાં ચા પીવા ઉભા હતા. તે દરમ્યાન અશરફ સુમરા, આફતાબ સુમરા, યુવી અને અનિશ સુમરા નામના ચાર શખ્સોએ આવીને મોઇનને જેમ ફાવે તેમ ગાળો કાઢી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ મોબાઇલમાં ધોકો મારી નુકસાન પહોંચાડયું હતું. અન્ય શખ્સે લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. યુવીએ છરી મારવા જતા મોઇને હાથમાં છરી પકડી લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ અનિશે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી મોઇનને પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવમાં ઘવાયેલા મોઇનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ પી. કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી મોઇનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


