જૂનાગઢ શહેરમાં વહેલી સવારે દિલધડક ઘટના સામે આવી હતી. વાણંદ સોસાયટી વિસ્તારમાં આજે સવારે આશરે 5 વાગ્યે એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ ડુંગર સાઉથ રેન્જના વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

વન વિભાગની ટીમે સુનિયોજિત આયોજન સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહબાળને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન સિંહબાળને કોઈપણ પ્રકારની ઇજા પહોંચી નહોતી, જેના કારણે વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
View this post on Instagram
રેસ્ક્યૂ બાદ સિંહબાળને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે અને તેની સંપૂર્ણ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગના જણાવ્યા મુજબ સિંહબાળ સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયા બાદ તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. સાથે જ તેને તેની માતા સાથે પુન:મિલન કરાવવા માટે પણ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં સિંહોના વસવાટ વચ્ચે આવી ઘટનાઓ વન્યજીવોની સુરક્ષા માટે ખુલ્લા કૂવાઓને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત પણ ઉજાગર કરે છે.


