Tuesday, June 16, 2026
Homeખબર સ્પેશીયલસાવધાન! શું તમારા ફોનમાં આવા સંકેતો દેખાય છે ?..જાણો સ્માર્ટફોન હેકિંગની નવી...

સાવધાન! શું તમારા ફોનમાં આવા સંકેતો દેખાય છે ?..જાણો સ્માર્ટફોન હેકિંગની નવી રીતો…

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન એ માત્ર વાતચીત કરવાનું સાધન નથી, પણ આપણી આખી જીંદગીની ચાવી છે. બેંકિંગ વિગતો, પર્સનલ ફોટા, ઈમેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બધું જ આ નાનકડા ડિવાઈસમાં સંગ્રહિત હોય છે. આ જ કારણ છે કે સાયબર ગુનેગારો માટે સ્માર્ટફોન સૌથી મોટું ટાર્ગેટ બની ગયા છે. ટેક્નોલોજી જેટલી ઝડપે આગળ વધી રહી છે, તેટલી જ ઝડપે હેકર્સ પણ ડિવાઈસમાં ઘૂસણખોરી કરવાના નવા રસ્તા શોધી રહ્યા છે.તો ચાલો સ્માર્ટફોન હેકિંગની કેટલીક નવી રીતો જાણીએ અને હેકિંગ દરમ્યાન કેવા સંકેતો મળે છે તો વળી સ્માર્ટ ફોન હેક થાય ત્યારે તાત્કાલિક શું કરી શકાય જાણીએ…

- Advertisement -

 સ્માર્ટફોન હેકિંગની નવી રીતો

હેકર્સ થોડા થોડા સમયે નવી નવી રીતો અપનાવતા જોવા મળે છે હેકર્સ હવે જૂની પદ્ધતિઓ છોડીને અત્યંત એડવાન્સ અને સ્માર્ટ રીતો અપનાવી રહ્યા છે:

- Advertisement -

ઝીરો-ક્લિક એટેક : આ સૌથી ખતરનાક રીત છે, જેમાં યુઝરે કોઈ લિંક પર ક્લિક પણ નથી કરવું પડતું. હેકર્સ માત્ર એક વોટ્સએપ કોલ અથવા મેસેજ મોકલીને (ભલે તમે ફોન ન ઉપાડો) ફોનમાં સ્પાયવેર ઇન્સ્ટોલ કરી દે છે.

જ્યુસ જેકિંગ : એરપોર્ટ, રેલ્વે સ્ટેશન કે કાફે જેવા જાહેર સ્થળો પર રાખેલા યુએસબી (USB) ચાર્જિંગ પોર્ટ દ્વારા વાયરસ મોકલીને ફોન હેક કરવામાં આવે છે.

- Advertisement -

એઆઈ-બેઝ્ડ ફિશિંગ : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હેકર્સ અદ્દલ બેંક કે ઓફિશિયલ કંપની જેવા જ દેખાતા મેસેજ કે લિંક મોકલે છે, જેમાં યુઝર્સ ફસાઈ જાય છે.

સિમ સ્વેપિંગ : હેકર્સ તમારા નામે નકલી આઈડી બનાવીને ટેલિકોમ કંપની પાસેથી તમારા નંબરનું બીજું સિમ મેળવી લે છે, જેથી તમામ OTP તેમના ફોન પર જવા લાગે છે.

હેકિંગ દરમિયાન કયા સંકેતો મળે?

જો તમારો ફોન હેક થયો હશે, તો તે આ પ્રકારના અસામાન્ય સંકેતો આપવાનું શરૂ કરશે:
બેટરી ઝડપથી ઉતરી જવી: જો કોઈ પણ કારણ વગર ફોનની બેટરી અચાનક ખૂબ ઝડપથી પૂરી થવા લાગે, તો બેકગ્રાઉન્ડમાં કોઈ હેકિંગ સોફ્ટવેર કામ કરી રહ્યું હોઈ શકે છે.
ફોન અતિશય ગરમ થવો: ફોનનો ઉપયોગ ન કરવા છતાં પણ તે સતત ગરમ રહે છે.
ડેટાનો વપરાશ વધી જવો: તમારો રોજનો ઇન્ટરનેટ ડેટા અચાનક જલ્દી પૂરો થઈ જાય છે, કારણ કે સ્પાયવેર તમારો ડેટા હેકરના સર્વર પર મોકલતો હોય છે.
અજાણી એપ્સ અને પોપ-અપ્સ: સ્ક્રીન પર વારંવાર વિચિત્ર એડ્સ (Ads) દેખાવી અથવા તમે ડાઉનલોડ ન કરી હોય તેવી એપ્સ ફોનમાં જોવા મળવી.
પરફોર્મન્સ ધીમું થવું: ફોન વારંવાર હેંગ થવો અથવા એપ્સ આપમેળે બંધ થઈ જવી.

જો ફોન હેક થાય તો તાત્કાલિક શું કરવું?

જો તમને શંકા જાય કે ફોન હેક થયો છે, તો સમય બગાડ્યા વિના આ પગલાં લો:
1. ઇન્ટરનેટ બંધ કરો: સૌથી પહેલા ફોનનું વાઇ-ફાઇ અને મોબાઇલ ડેટા બંધ કરો અથવા ફોનને Airlplane Mode પર મૂકી દો, જેથી હેકર સાથેનો સંપર્ક તૂટી જાય.
2. શંકાસ્પદ એપ્સ ડિલીટ કરો: સેટિંગ્સમાં જઈને એપ્લિકેશન લિસ્ટ ચેક કરો અને જે એપ અજાણી લાગે તેને તાત્કાલિક અનઇન્સ્ટોલ કરો.
3. બેંક એકાઉન્ટ અને પાસવર્ડ્સ બદલો: બીજા કોઈ સુરક્ષિત ડિવાઈસમાંથી તમારા તમામ મહત્વના એકાઉન્ટ્સ (જીમેઈલ, સોશિયલ મીડિયા, બેંકિંગ) ના પાસવર્ડ બદલી નાખો.
4. ફેક્ટરી રીસેટ : જો જોખમ વધારે લાગે, તો ફોનનો મહત્વનો ડેટા મેન્યુઅલી બેકઅપ લઈને આખા ફોનને ‘Format’ અથવા ‘Factory Reset’ કરી દો. આનાથી તમામ વાયરસ નીકળી જશે.
5. સાયબર ક્રાઈમમાં ફરિયાદ: નાણાકીય ફ્રોડ થયું હોય તો તરત જ 1930 પર કોલ કરો.અથવાતો તમારા વિસ્તાર ના પોલીસ સ્ટેસન પર ફરિયાદ નોંધાવો

ટેક્નોલોજીના આ દોરમાં સ્માર્ટફોન આપણી સુવિધા માટે છે, પણ આપણી એક નાની ભૂલ તેને મુસીબતનું કારણ બનાવી શકે છે. હેકિંગથી બચવાનો એકમાત્ર અને સૌથી અસરકારક ઉપાય “જાગૃતિ અને સાવચેતી” છે. અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું, ફોનને હંમેશા અપડેટ રાખવો અને મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો આ આદતો આપણને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રાખી શકે છે. સાયબર સુરક્ષા એ કોઈ વિકલ્પ નથી, પણ આજની અનિવાર્ય જરૂરિયાત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular