જામનગર તાલુકાના નેવીમોડા ગામમાં રહેતો યુવાન જાંબુડા ગામના પાટિયા નજીક આવેલી સિદ્ધનાથ હોટલના ગ્રાઉન્ડમાં ફોનમાં થયેલી બોલાચાલી સંદર્ભે છોડાવવા જતાં યુવાન ઉપર બે શખ્સોએ ગાળાગાળી કરી છરીના ઘા ઝિંકી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
View this post on Instagram
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નેવીમોડા ગામમાં વસવાટ કરતાં ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.34) નામના યુવાનના કાકાના દીકરા ભરતસિંહને કિશન મકવાણા સાથે ફોન પર બોલાચાલી થઇ હતી. તેથી ભરતસિંહ કિશનને મળવા જાંબુડા પાટિયા પાસે આવેલી સિદ્ધનાથ હોટલએ ગઇકાલે બપોરના સમયે ગયા હતા. જ્યાં કિશન મકવાણા ભરતસિંહ સાથે જેમ ફાવે તેમ ગાળાગાળી કરતો હોવાથી ચંદ્રસિંહ છોડાવવા વચ્ચે પડતાં કિશનએ ચંદ્રસિંહ સાથે ગાળાગાળી કરી છરીનો ઘા માથામાં ઝિંકી દીધો હતો. તેમજ કિશન સાથે રહેલા ઉત્તમ તન્ના નામના શખ્સે ચંદ્રસિંહને જેમ ફાવે તેમ ગાળો કાઢી, ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. બે શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા ચંદ્રસિંહને જાંબુડા અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એ.જી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ચંદ્રસિંહના નિવેદનના આધારે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


