Tuesday, June 2, 2026
Homeરાજ્યહાલારસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

રૂા. 15 હજારનો દંડ અને ભોગ બનનારને રૂપિયા ચાર લાખ વળતર ચૂકવવા સ્પેશિયલ પોક્સો કોર્ટનો આદેશ

સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં સ્પે. પોક્સો કોર્ટ દ્વારા સરકારી વકીલની દલીલો માન્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને રૂપિયા 15 હજારનો દંડ તેમજ ભોગ બનનારને વળતરપેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો છે.

- Advertisement -

આ કેસની વિગત મુજબ ફરિયાદીની સગીર વયની પુત્રીને જામનગરના શંકર ટેકરીમાં રહેતો સુરેશ ઉર્ફે સુરિયો મગન વાઘેલા સગીરા શાળાએ જતી હતી ત્યારે તેની પાછળ જતો હતો અને મિત્રતા કરવાનું કહેતો હતો પરંતુ ભોગ બનનારે ના પાડી હતી. ભોગ બનનાર અભ્યાસ પૂરો કરી કારખાનામાં મજૂરીકામે જતી હતી ત્યારે પણ આરોપી તેનો પીછો કરતો હતો અને ભોગ બનનારને સોગંદ આપી વિશ્ર્વાસમાં લઇ પોતાના ઘરે લઇ ગયો હતો અને તેની સાથે લગ્ન કરવાનું કહી, “તને ખુબ સારી રીતે રાખીશ.” તેમ કહી કારખાને મૂકી ગયો હતો. ત્યારબાદ અવારનવાર સગીરાને લાલચ આપી ફોનમાં વાતચીત કરી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ જગ્યાએ ફરવા લઇ જતો હતો. ત્યારબાદ ગત્ તા. 06-06-2024ના સગીરા નાસ્તો લેવા ગઇ ત્યારે આરોપી દુકાનની બાજુમાં ટૂ વ્હીલર લઇને ઉભો હતો અને ભોગ બનનાર સગીરાને વિશ્ર્વાસમાં લઇ લગ્ન કરવાનું કહી ખંભાળિયા કોઇના ઘરે લઇ ગયો હતો.

જ્યાં ત્રણ દિવસ ભોગ બનનારની સાથે તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને લાલપુર તેમના ભાઇના ઘરે લઇ ગયો હતો. જ્યાં આરોપીના ભાભીએ કહ્યું હતું કે, તારી પહેલાં આઠ છોકરીઓને ફસાવેલ છે. તું નવમી છો. ત્યારબાદ આરોપીના મિત્રએ કહ્યું કે, તારી સામે ફરિયાદ થઇ છે. જેથી ભોગ બનનારને દિગ્જામ સર્કલ પાસે મૂકી આરોપી જતો રહ્યો હતો. આ અંગે સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

- Advertisement -

જે કેસ પોક્સો સ્પે. કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલ દસ્તાવેજી પુરાવાઓ, સરકારી વકિલની દલીલો ધ્યાને લઇ સ્પે. પોકસો કોર્ટના જજ આર. પી. મોગેરાએ આરોપીને તક્સીરવાન ઠેરવી પોક્સો કલમ 4 મુજબ 10 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 5 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા તથા પોકસો કલમ 6 મુજબ 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 20 દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા તથા ભોગ બનનારને વળતરપેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular